નવી દિલ્હી, તા. 27 : તહેવારી દિવસો
પહેલાં જ ખાંડનો જથ્થો ઘટવા સાથે ભાવ વધવાનાં કારણે સરકાર હવે જાગી છે અને બ્લિંકિટ, સ્વીગી, ઝેપ્ટો જેવી ઓનલાઇન
એપ્સ પરથી હવે પાંચ કિલો કરતાં વધુ ખાંડ ખરીદી નહીં શકાય, તેવો
ફેંસલો કરાયો છે. દેશના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, 26 જુલાઇના 48 રૂપિયા સામે 26 ઓગસ્ટના ખાંડની કિંમત 65 રૂપિયે કિલોને પાર થઇ ગઇ હતી.
મતલબ એ થયો કે, 30 દિવસમાં ખાંડ 35.5 ટકા મોંઘી થઇ ગઇ છે. તહેવારો પહેલાં જ આ ભાવવધારા બાદ સરકાર
સતર્ક બની છે. ઓફલાઇન બજારમાં ડીમાર્ટ અને રિલાયન્સ જેવી સુપર માર્કેટ્સમાં પ્રતિ ગ્રાહક
બેથી પાંચ કિલો ખાંડ ખરીદીની મર્યાદા બાંધી દેવાઇ છે. ખાંડની સંગ્રહાખોરી રોકવા અને
દરેક ગ્રાહકને ખાંડ મળી રહે તેવા હેતુ સાથે આવાં પગલાં લેવાઇ રહ્યાં છે. બ્લિંકિટ પર
એકવારમાં મહત્તમ પાંચ કિલો, સ્વીગી,
ઇન્સ્ટા માર્ટ પર એક-એક કિલોના બે અથવા પાંચ કિલોનું એક પેકેટ મળી શકશે.
સરકારે નવા નિયમો હેઠળ સ્ટોક મર્યાદા બાંધી છે. એક મહિનામાં 15 મેટ્રિક ટનથી વધુ ખાંડનો વેપાર
કરતા વેપારીઓ 15 દિવસથી વધુનો સ્ટોક નહીં રાખી
શકે.