મુંદરા, તા. 27 : તાલુકાનાં બેરાજાની ગામ નજીક
ઊભી થયેલી કંપનીને બીજા તબક્કાની બાંધકામની મંજૂરીના મુદ્દે તાજેતરમાં મળેલી ગ્રામસભામાં
કંપનીની વિરુદ્ધમાં બહુમતી સાથે 95 મતની સરસાઇથી
ઠરાવ પસાર કરાયાના મામલે પ્રતિપક્ષ સામે આવ્યો છે. આજ ગામના ઉપસરપંચ, અગ્રણીઓ તેમજ 344 ગ્રામજનની સહી સાથે તાલુકા
પંચાયત કચેરીને આ ઠરાવ પછી પત્ર પાઠવાયો છે કે, આ ગ્રામસભામાં એકતરફી વલણ, ખોટી ગણતરી, કોરમનો અભાવ સહિત ગેરબંધારણીય મતદાન
પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેથી આ સભાનો ઠરાવ રદ કરવામાં આવે
અને પ્રતિનિધિ તરીકે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે. બેરાજા
જૂથ ગ્રામ પંચાયત ઉપસરપંચ સુરેશભાઈ પચાણ મહેશ્વરી, ગામના સામાજિક
આગેવાનો તેમજ 344 જેટલા ગ્રામજનની
સહી સાથે મુંદરા તાલુકા વિકાસ અધિકારીને પાઠવવામાં આવેલા અલગ અલગ પત્રમાં ઈશ્વરી ગ્લોબલ
મેટલ ઇન્ડસ્ટ્રીઝને બાંધકામ મંજૂરી વિરુદ્ધના તા.24/8/26ના ઠરાવને રદ કરવા માંગ કરાઇ તેમજ કંપની પ્રત્યે સમર્થનની લાગણી
વ્યક્ત કરીને આક્ષેપો કરાયા હતા કે, આ ગ્રામસભાની કાર્યવાહીમાં પંચાયત અધિનિયમ અને બંધારણીય જોગવાઈઓનું ખુલ્લેઆમ
ઉલ્લંઘન થયું છે. નિયમ મુજબ ન્યૂનત્તમ હાજરી પણ સ્થળ પર નહોતી, લોકશાહી ઢબે ચર્ચા કે મતદાનને બદલે ઉતાવળે મનસ્વી નિર્ણયો લેવાયા છે. ગામમાં
આવી રહેલી અન્ય કંપનીઓની મંજૂરી માટે ગ્રામસભા બોલાવીને મંજૂરી લેવાઈ કે નહીં તેની
પણ માહિતી ન અપાઇ, જેથી ત્વરિત તપાસ અધિકારી નીમીને વીડિયો રેકોર્ડિંગની
તપાસ કરાય, આ સિવાય ગ્રામજનોની સહી સાથેના પત્રમાં જણાવાયું હતું
કે, આ સભામાં વહીવટી તંત્રએ કોઈ વાત સાંભળવાનો ઇન્કાર કરી એકતરફી
વલણ અપનાવ્યું હતું, મતદાન ગણતરીમાં પારદર્શિતા નહોતી અને ગણતરી
પૂર્વ થયા બાદ તુરંત સભા આટોપી લેવાઇ હતી. આ કંપની ગામના ગરીબ પરિવારો માટે રોજીરોટીનો
સ્ત્રોત છે. કંપનીનું વલણ લોકહિતમાં છે. ઘાસચારાની, આરોગ્ય સેવાની
ખાતરી આપી છે. કંપની સમર્થનની આ રજૂઆતમાં સુરેશ બડગા (ઉપસરપંચ), ફકુભાઈ મહેશ્વરી (માજી સરપંચ), ઇબ્રાહીમ કુંભાર (માજી
સરપંચ), લાલજી બડગા (માજી સરપંચ), રમજુ
રાયમા, મહેશ ગોર, યુવરાજાસિંહ જાડેજા,
જયેન્દ્રાસિંહ જાડેજા, સિદ્ધરાજાસિંહ જાડેજા,
ભાણજી રામજી આયડી (પૂર્વ ન્યાય સમિતિ ચે.), નિતેશ
બડગા, પ્રદીપાસિંહ વાઘેલા, જીવરાજ માતંગ
(ન્યાય સમિતિ ચે.) વિગેરે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. દરમિયાન,
આ મુદ્દે હકીકત અને છેલ્લી સ્થિતિ કે આદેશ જાણવા મુંદરા તાલુકા વિકાસ
અધિકારીનો એકથી વધુ વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ પ્રત્યુતર
મળી શક્યો નહોતો.