રાજકોટ, તા. 27 : નેપાળ અને ચીનના તિબેટ સરહદી
વિસ્તારમાં સર્જાયેલી ભયાનક કુદરતી આફતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. હિમનદી તૂટવાથી
સર્જાયેલા વિનાશક પૂર અને કાદવ-પથ્થરના પ્રવાહે અનેક લોકોના જીવ લીધા છે, જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ
હજુ પણ લાપતા છે. આ ભયાનક દુર્ઘટના વચ્ચે છેલ્લી ઘડીએ પ્રવાસ રદ્ થતાં રાજકોટ સહિત
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના 120 લોકો માટે જાણે મોતના મુખમાંથી બચી ગયા હોવાની ઘટના સામે આવી
છે. રાજકોટના શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી કૈલાશ માનસરોવર યાત્રાનું
આયોજન કરવામાં આવે છે. ગત તા.23 ઓગસ્ટના રોજ
રાજકોટની એક ગ્રુપ રવાના થવાનું હતું જેમાં રાજકોટના 80 યાત્રીઓ સહિત અમદાવાદ, વડોદરા, સૂરત,
મુંબઈના યાત્રીઓ જોડાયાં હતાં પરંતુ છેલ્લી ઘડીએ ચીન તરફથી જરૂરી કોટા/મંજૂરી
રિલીઝ ન થતાં આ તમામ યાત્રીઓનો પ્રવાસ રદ્ થઈ ગયો હતો. જેમાં ભાજપના અગ્રણી નેતા નીતિનભાઈ
ભારદ્વાજનો પરિવાર, કશ્યપભાઈ શુક્લ તેમજ કાશ્મીરાબેન નથવાણીએ
જણાવ્યું હતું કે, જ્યારે
અમે ગ્રુપનો સંપર્ક સાધ્યો ત્યારે તા.22થી 26 ઓગસ્ટ વચ્ચે
અમારો આ પ્રવાસ નિર્ધારિત થવાનો હતો પરંતુ મંજૂરી ન મળતા અમે નિરાશ થયાં હતાં, હવે લાગે છે કે, જે થયું
એ મહાદેવનો જ ચમત્કાર હતો.