• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

મિની તરણેતર સમા યક્ષ મેળાની તૈયારી શરૂ

વિથોણ (તા. નખત્રાણા), તા. 27 : મિની તરણેતર સમા યક્ષના મેળાની તૈયારીનો પ્રારંભ થઇ રહ્યો છે. તા. 27/9/26થી 30/9/26 સુધી 4 દિવસીય મેળાનાં આયોજન બાબતે સમિતિની બેઠકમાં નિર્ણયો લેવાયા હતા. જખ બૌંતેરા કકડભિટ્ટ મોટા યક્ષ ખાતે યોજાતા કચ્છના સૌથી મોટા મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સાંયરા જૂથ પંચાયત, ભોવા પરિવાર અને મેળા સમિતિની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા. દરવર્ષની જેમ મનોરંજન વિભાગ, રમકડાં બજાર, ખાણી-પીણી અને હોટલો માટે  પ્લોટની ફાળવણી આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું જણાવાયું હતું. મેળાનો વિસ્તાર વધારવા અને મેળા પટાંગણની સાફસફાઇ પંચાયત અને ભોવા પરિવારની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. રવિવારે 27 સપ્ટેમ્બરે ઉદ્ઘાટાના હસ્તે વિધિવત મેળો ખુલ્લો મુકાશે. સોમવાર તા. 28/9/26ના યક્ષદાદાની ચડતર (પેડી) અને મંગળવાર તા. 29/9/26ના સવારે મલ-બલાખડો અને બુધવારે તા. 30/9/26ના સાંજે મેળો પૂર્ણ જાહેર કરાશે. મેળા દરમ્યાન ખાણી-પીણીની દરેક આઇટમો ઉપર આરોગ્ય વિભાગની નજર રહેશે. દરવર્ષની જેમ મેળા પરિસરની દેખરેખ અને બંદોબસ્ત માટે 300 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો વ્યવસ્થામાં રહેશે, જેમાં મહિલા પોલીસની ખાસ ઉપસ્થિતિ રહેશે તેવું ઉમેર્યું હતું. આયોજનને સફળ બનાવવા સાંયરા (યક્ષ) જૂથ ગ્રામ પંચાયત, યક્ષના ભોવા પરિવાર અને મેળા સમિતિના સભ્યો વ્યવસ્થા સંભાળશે. સીસીટીવી કેમેરાથી મેળાની નિગરાની કરવામાં આવશે. મેળા પહેલાં સારો વરસાદ થઇ જશે તો મેળામાં રોનક આવશે તેવી આશા સરપંચ જયંતીભાઇ નાકરાણી, જે.એમ. જાડેજા, તલાટી રઘુવીરસિંહ ઝાલા વિગેરે તૈયારીઓ કરી રહ્યા છે તેવું જણાવ્યું છે.

Panchang

dd