• બુધવાર, 12 માર્ચ, 2025

એઆઈના વિશ્વગુરુ થવા ભારત પાસે ક્ષમતા

વિશ્વમાં કૂદકે અને ભૂસકે વધી રહેલી કોમ્પ્યુટર આધારિત ટેકનોલોજીમાં આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વિકાસ અને ઉપયોગિતાની ચોમેર ચર્ચા અને ઉત્સાહ છે. એઆઈ પરની આ ચર્ચામાં વિશ્વના નામાંકિત દેશો પણ બાકાત રહ્યા નથી.  આ નવા આવિષ્કારના સંદર્ભમાં પરસ્પર સંકલન અને સાવચેતી જાળવી રાખવાની અનિવાર્યતા મોખરાના દેશોને સતાવી રહી છે.  આનાં અનુસંધાનમાં પેરિસમાં મળેલી બે દિવસની એઆઈ શિખર બેઠકમાં આ બન્ને બાબતો પર વિગતે ચર્ચા થઈ હતી. ખાસ તો એઆઈના વિકાસમાં એકમેક સાથે હોડને ટાળવા આ શિખરમાં ખાસ ભાર મુકાયો હતો.   ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેંક્રોની સહઅધ્યક્ષતામાં એઆઈ પર મળેલી આ ચાવીરૂપ આવી આ ત્રીજી શિખર બેઠકમાં 90 દેશ અને તમામ અગ્રણી સોફ્ટવેર કંપનીઓના પ્રતિનિધિઓએ ગંભીરતા સાથે ભાગ લીધો હતો. આ બેઠકનાં આયોજનનો સમય પણ ભારે મહત્ત્વનો હતો. હાલે ચીનની કંપની ડીપસીક દ્વારા એઆઈ આધારિત તેની નવી શોધથી આખી દુનિયામાં હલચલ મચાવી રહી છે, તેનાથી ભારે ચકચાર જાગી છે. ચેટજીપીટી જેવાં પ્રચલિત એઆઈ આધારિત ટૂલની સરખામણીએ કિફાયતી અને ચડિયાતું ડીપસીકનું ટૂલ વિશ્વના દેશો અને અગ્રણી કંપનીઓ માટે પડકારરૂપ બની રહ્યંy છે. સ્વાભાવિક રીતે આ નવા પડકાર અને ખાસ તો ચીની કંપનીનાં ટૂલથી સાયબર સલામતી સામે ઊભાં થઈ રહેલાં જોખમથી વિશ્વના દેશો અને નામાંકિત કંપનીઓ ચિંતિત બની રહી છે. આવામાં ચીની કંપનીએ વિશ્વને નવતર રીતે વિચારવા અને તેના આધારે આવિષ્કાર કરવાનો બોધ આપ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પછીની આવી શિખર બેઠકનું ભારતમાં આયોજન કરવાનું આમંત્રણ આપીને આ મામલે આપણા દેશની ગંભીરતા વિશ્વના દેશોને સમજાવી છે. ખાસ તો કોમ્પ્યુટર અને સોફ્ટવેરમાં ભારતીય નિષ્ણાતોની પારંગતતા જે રીતે વિકસી છે, તેને ધ્યાનમાં લેતાં મોદીએ એઆઈ વિશ્વનાં ભવિષ્ય માટે અનિવાર્ય હોવાની વાત પર ભાર મૂક્યો હતો. સાથોસાથ તેમણે એઆઈના વિકાસ અને ઉપયોગમાં વૈશ્વિક સંકલનને અનિવાર્ય ગણાવ્યું હતું. તેમણે એઆઈના અમર્યાદ ઉપયોગનાં જોખમો સામે પણ લાલબત્તી ધરી હતી. આજે વિશ્વમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન દ્વારા એઆઈના વિષય પર જે રીતે ઊંડો રસ દર્શાવાયો છે, તેનાથી આગામી સમયમાં ભારતમાં એઆઈના મામલે મોખરાનાં સંશોધન અને સફળતાની શક્યતાને નકારી શકાય તેમ નથી. એઆઈના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા અન્ય ક્ષેત્રોમાં વધુ નવાં નવાં શિખર સર કરવા ભારતે જે રીતે કમર કસવી શરૂ કરી છે, તે ખરા અર્થમાં દેશનાં હિતમાં મહત્ત્વની બાબત બની રહેશે. આની સાથોસાથ વિશ્વના અગ્રણી દેશોએ જે રીતે એઆઈની શિખરમાં મોદી અને ભારતને મહત્ત્વ આપ્યું છે, તે ખાસ નોંધનીય ઘટના ગણી શકાય તેમ છે. આવનારા સમયમાં એઆઈના વધુ વિકાસમાં ભારત વિશ્વગુરુ બની રહેશે એવી પૂરી શક્યતા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd