ગાંધીધામ, તા. 11 : રાપર તાલુકાના જાટાવાડા નજીક
કાર પલટી જતા દિયોદરના મકનસિંહ ચૌહાણનું મોત થયું હતું, જ્યારે તેમના ભત્રીજાને ઈજાઓ પહોંચી હતી. બીજી
બાજુ કંડલા બંદર ઉપર રિવર્સમાં આવતી ટ્રકે હડફેટમાં લેતાં રામદત રામદેવ દાસ (ઉ.વ. 66)એ પ્રાણ ખોયા હતા. દિયોદરમાં
રહેનાર તથા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર મકનસિંહ ચૌહાણ અને તેમનો ભત્રીજો સત્યપાલસિંહ
ચૌહાણ કાર નંબર જી.જે.08-ડી.ડી.-8839 લઈને રાપરના ડાવરી ગામે બેસણામાં
આવી રહ્યા હતા. ત્યારે તેમને જાટાવાડા નજીક અકસ્માત નડયો હતો. આગળ જતા વાહન થકી ધૂળ
ઉડતાં કાર ચાલક સત્યપાલને કાંઈ ન દેખાતાં કાર રોડ નીચે ઊતરી ગઈ હતી અને પલટી ગઈ હતી, જેમાં મકનસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી,
તેમને પ્રથમ સાંતલપુર બાદમાં રાધનપુર લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને
મૃત જાહેર કર્યા હતા. બનાવ અગે શિક્ષકની દીકરી હિરલબાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વધુ એક બનાવ કંડલા બંદર ખાતે જેટી નંબર-15-એ પાસે બન્યો હતો. અહીં લાંગરેલા જહાજમાં શાંતિલાલ શિપિંગ કંપનીના
માલની હેરફેર જયગુરૂ ટ્રાન્સપોર્ટના વાહનોથી થઈ રહી હતી. દરમ્યાન ટ્રક નંબર જી.જે.12-બી.વાય.-5686ના ચાલકે પોતાનું વાહન તીવ્રગતિએ
રિવર્સમાં લેતાં સફાઈનું કામ કરતા શ્રમિક રામદૂતને હડફેટમાં લીધો હતો. તોતિંગ વાહનના
પૈડા ફરી વળતા આ વૃદ્ધનું ત્યાં જ મોત થયું હતું. મદનલાલ હિરાજી ગુજ્જરે પોલીસ મથકે
ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.