• બુધવાર, 12 માર્ચ, 2025

નખત્રાણાની બજારોમાં હોળી નિમિત્તે ખરીદીમાં ધમધમાટ

મોટી વિરાણી, (તા. નખત્રાણા), તા. 11 : હોળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નખત્રાણાની બજારમાં રંગ, પિચકારી, રંગોત્સવની વિવિધ વસ્તુઓ, પૂજા સામગ્રી, ખજૂર, ટોપરા, શ્રીફળ, ફૂલા (ધાણી)ની ખરીદીમાં ધમધમાટ જોવા મળ્યો હતો. પર્વથી બે દિવસ પૂર્વે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નખત્રાણાના ધંધાદારીઓનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસથી હોળી, ધુળેટી માટે જરૂરી સામગ્રીની ખરીદીમાં ગ્રાહકોનો પ્રવાહ ઊમટયો છે. રંગો અને પિચકારીના વેપારી મન ઠક્કરે રૂા. 10થી એક હજાર સુધીની કિંમતની પિચકારીઓ તથા રંગમાં હર્બલ કલરનું વેચાણ વધુ હોવાનું જણાવ્યું હતું. ભાવવધારો છતાં ઘરાકી જળવાઇ હોવાનું એક પ્રતિષ્ઠાને ઉમેર્યું હતું. નેત્રાના વેપારી ચિરાગ કતિરાએ જણાવ્યું હતું કે અગાઉ નેત્રામાં હોળી તહેવાર પર હાયડાનું ખૂબ ચલણ હતું. એક-એક વેપારી 100 કિલો હાયડા મગાવતા, હવે ગ્રાહકો શુકન પૂરતી ખરીદી કરતા હોવાથી હાયડાની માંગ ઘટી છે અને વેપારીઓ હાયડા રાખવાનું માંડી વાળે છે. પૂજાની વસ્તુઓ ફૂલા, ખજૂર, પતાસા, ધાણી, ટોપરા, નારિયેળ, હાયડાની ખરીદીની એક વખતે ભીડ જામતી જ્યારે ગ્રાહકોને સામેથી આપવા છતાં ખરીદવાની ના પાડી દે છે. નવી  પેઢીને હાયડા પસંદ નથી અને પરંપરાગત રિવાજો ભુલાઇ રહ્યા છે. ખાંડના વધતા ભાવો અને મોંઘવારી તેમજ આધુનિકતાના સમયમાં હાયડાનું મહત્ત્વ નહિવત બની ગયું છે. શુકન પૂરતા હાયડા મગાવ્યા છે તો પણ વેચાશે કે નહીં તે પ્રશ્ન છે. હોળીને બે દિવસ પહેલાં પણ કોઇ ઘરાકી નીકળી નથી ત્યારે આવનારા સમયમાં હાયડા લુપ્ત થઇ જાય તેવું વેપારીઓએ જણાવ્યું હતું. ઉપરાંત રંગો અને પિચકારીની ખરીદી માટે પણ ઘરાકી નીકળી ન હોવાનું ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd