• બુધવાર, 12 માર્ચ, 2025

પાકમાં ટ્રેન પર બલુચોનો કબજો : 240 યાત્રી બંધક

ઈસ્લામાબાદ, તા. 11 : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીના એક કવેટાથી ખૈબર પખ્તુનખ્વા જતી આખી ટ્રેન પર કબજો કરી લીધો હતો અને 240 યાત્રીને બંધક બનાવ્યા હતા. બીએલએએ દાવો કર્યો હતો કે, 30 પાકિસ્તાની સૈન્ય કર્મચારી ઠાર કરવામાં આવ્યા છે અને એક સૈન્ય ડ્રોન તોડી પાડયું છે.  સુરંગમાં ઊભી રખાયેલી ટ્રેનમાંથી બંધકોને છોડાવવા પાકિસ્તાન સૈન્યએ હવાઇ હુમલાની તૈયારી કરી હતી. કલાકો સુધી સામસામો ગોળીબાર થયો હતો. બંધકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાના હેવાલ છે. બલુચ ઉગ્રવાદીઓએ પહેલાં ભીષણ ગોળીબાર કર્યો હતો અને પછી ટ્રેન કબજે કરી હતી. ટ્રેન પર કબજા બાદ બીએલએએ જારી કરેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાનની શહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો પાકિસ્તાની સેના કોઈ પણ કાર્યવાહી કરશે, તો તમામ બંધકોને ઠાર કરવામાં આવશે અને 48 કલાકમાં બલુચ કેદીઓને પાક નહીં છોડે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. જો કે, આ મામલે મોડી સાંજ સુધી પાકિસ્તાની સેના કે પોલીસ તરફથી કોઈ ટિપ્પણી સામે આવી નહોતી.  બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તા જેયંદ બલુચે કહ્યું હતું કે, બલુચ લિબરેશન આર્મીએ મશ્કફ, ધાદર, બોલનમાં એક સુનિયોજિત ઓપરેશનને અંજામ આપ્યો છે, જેમાં બલુચ સ્વતંત્રતા સેનાનીઓએ રેલવે ટ્રેકને ઉડાડી દીધો હતો, જેનાથી જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી. બાદમાં બલુચ સૈનિકોએ તરત જ ટ્રેન ઉપર કબજો કરી લીધો હતો અને યાત્રિકોને બંધક બનાવી લીધા હતા. ટ્રેનમાં આઇએસઆઇના જવાનો પણ સામેલ હોવાના હેવાલ છે.  આ ઓપરેશન મઝીદ બ્રિગેડ, એસટીઓઁએસ અને બીએલએની સ્પેશિયલ યુનિટ ફતેહ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું છે.  આ ઉપરાંત બીએલએએ અંતિમ ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે, જો પાકિસ્તાની હવાઇ હુમલા રોકવામાં ન આવે તો 100 બંધકને મારવામાં આવશે. પાકિસ્તાની સેના, પોલીસ, આઈએસઆઈ અને એટીએફના જે કર્મચારીઓ પંજાબમાં રજા ઉપર છે તેને બંધક બનાવવામાં આવ્યા છે. મહિલા, બાળકો અને બલુચ યાત્રીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.  આબ એ ગમ પાસે સુરંગમાં ટ્રેક ઉપર વિસ્ફોટ કર્યો બલુચ બંદૂકધારીઓએ આ ઘટનાને એવા સમયે અંજામ  આપ્યો હતો, જ્યારે ટ્રેન આબ એ ગમ વિસ્તાર પાસે ટનલ નંબર-8માંથી પસાર થઈ રહી હતી. આ સમયે સુરંગનો રેલવે ટ્રેક ઉડાડી દેવામાં આવ્યો હતો અને જાફર એક્સપ્રેસ ટ્રેક ઉપરથી ઊતરી ગઈ હતી. બાદમાં ટ્રેન ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બલુચ આતંકીઓએ વિસ્તારનો ફાયદો ઉઠાવ્યો હતો. કારણ કે, આ સ્થળે 17 સુરંગ છે અને ટ્રેનો  ધીમી સ્પીડે ચાલે છે.  શું છે બીએલએ ? બલુચ લિબરેશન આર્મી એક વિદ્રોહી અને સશત્ર આતંકવાદી સંગઠન છે. જે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લાંબા સમયથી સક્રિય છે. આ પ્રાંતના લોકોનું માનવું છે કે, તેઓને સંસાધનોનો લાભ મળતો નથી. બલુચિસ્તાનની સ્વતંત્રતા અને ત્યાંના સંસાધનો ઉપર બલુચ લોકોનો અધિકાર છે. બલુચ લિબરેશન આર્મી મોટાભાગે પાકિસ્તાની સેના, સરકારી પ્રતિષ્ઠાન અને ચીની રોકાણ ધરાવતી પરિયોજનાઓ ઉપર હુમલા કરે છે.  બીએલએએ બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને કબજે કરી છેલ્લા આઠ કલાકથી વધુ સમયથી ટ્રેનમાં સવાર 240 મુસાફરને બંધક બનાવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન સેના તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે, તો તેઓ તમામ બંધકોને મારી નાખશે. દરમ્યાન, આતંકવાદીઓએ બંધક બનાવેલા કેટલાક લોકોને છોડી દીધા છે. મુક્ત કરાયેલા મુસાફરોમાં મહિલાઓ, બાળકો અને બલુચ નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે 100થી વધુ પાક સૈનિકો અને પંજાબી નાગરિકો હજુ પણ બંધક છે. ટ્રેનમાં સવાર 30 સૈનિકને માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. બીએલએએ ચેતવણી આપી છે કે, જો તેમની સામે હવાઈ હુમલા બંધ નહીં થાય તો તેઓ આગામી એક કલાકમાં તમામ બંધકોને મારી નાખશે. તે પહેલાં બીએલએએ એક ડ્રોન તોડી પાડયું હતું. બીએલએએ ટ્રેન કબજે કર્યાના હેવાલ મળતાં પાકિસ્તાની સુરક્ષા દળોએ બચાવ અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીષણ સંઘર્ષ પછી પાકિસ્તાની સૈનિકો પીછેહઠ કરવા મજબૂર થયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd