ભુજ, તા. 11 : એક વખત વીજ જોડાણ મેળવ્યા પછી
કેટલાક ગ્રાહકો જુદી-જુદી મોડસ ઓપરેન્ડી વડે વીજચોરી કરતા હોય છે. તંત્રની ટીમો દ્વારા
હાથ ધરાતાં ચેકિંગ વખતે ચોરીના કિસ્સા પકડાયા પછી દંડ ફટકારવામાં આવતાં લાંબા સમયની
ઈન્તજારી બાદ લોક અદાલતમાં સમાધાન થાય છે, જે પૈકી ભુજ સર્કલે 546 ગ્રાહકોના કિસ્સામાં સામૂહિક
સમાધાન કર્યું હતું. પીજીવીસીએલના ભુજ સર્કલ હેઠળ છેલ્લા દોઢ વરસમાં હાથ ધરાયેલાં વીજ
ચેકિંગ દરમ્યાન જુદી-જુદી ટુકડીઓ દ્વારા વીજચોરીના
કિસ્સા પકડાયા હતા. દોઢ વરસમાં આવા કિસ્સાની સંખ્યા 2642ને પાર કરી ગઇ હોવાની માહિતી
વીજ તંત્રના અધીક્ષક ભરત રાઠોડે આપી હતી. તેમણે
જણાવ્યું હતું કે વીજચોરીમાં ગ્રાહક પકડાય તો તુરંત તેનું વીજ જોડાણ તો કાપી નાખવામાં
આવે છે. પાછળથી બિલનો હિસાબ માંડી દંડની રકમ સાથે બિલ આપવામાં આવે છે. જ્યાં સુધી રકમ
ભરપાઇ ન થાય ત્યાં સુધી ઘર કે દુકાનમાં વીજ પુરવઠો બંધ હોય છે. દોઢ વરસ દરમ્યાન વીજ
ચોરીમાં પકડાયેલા ગ્રાહકોના કિસ્સામાં દંડ સાથેનું લેણું રૂા 30.22 કરોડ ચડી જતાં આખરે લોક અદાલત
યોજવામાં આવે છે જ્યાં સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ગ્રાહકોને માત્ર વ્યાજની
રકમમાં મુક્તિ આપવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલી લોક અદાલત સમક્ષ 2642 ગ્રાહકોએ સમાધાનમાં પહેલ તો
કરી પરંતુ સમાધાન માટે 546 ગ્રાહકો સહમત
થતાં લાકોની પાસેથી રૂા. 65.44 લાખની રકમ
વસૂલીને પુન: વીજ જોડાણ પૂર્વવત્ કરી દેવામાં આવ્યા હોવાનું શ્રી રાઠોડે જણાવ્યુ હતું.
સમાધાન માત્ર પ્રિલિટિગેશન વાળામાં શકય બન્યું હતું. એવી જ રીતે લિટિગેશનવાળા પણ 34 કિસ્સા નોંધાઇ ચૂકયા છે. તેઓને
પણ સમાધાનની તક આપવામાં આવી હતી, જેમાંથી
19 ગ્રાહકો સહમત થતાં તેમની પાસેથી
રૂા. 6.86 લાખની રકમ વસૂલીને સમાધાન કરવામાં
આવ્યું હતું. સમાધાન ન થાય એવા કેસમાં શું થઇ શકે એ સવાલ સામે જણાવ્યું હતું કે હવે
બીજી નવી લોક અદાલત થાય ત્યાં સુધી કેસ પડતર હોય છે અને બીજી લોક અદાલતમાં તક આપવામાં
આવશે, તેમ છતાં રૂબરૂ જઇને અમારી - ટીમો સમજાવવાના પ્રયાસો પણ કરે છે. : આટલી મોટી
સંખ્યામાં આ ચોરીના કેસ કયા સમયગાળામાં થયા હોય છે ત્યારે તેમણે જણાવ્યું કે દોઢેક
વરસના સમયગાળામાં 2642 કેસ સામે
આવ્યા છે અને ચોરી પકડવાની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. અચાનક ઝુંબેશ ચલાવવામાં આવે
છે એમ અંતમાં તેમણે ઉમેર્યું હતું.