• બુધવાર, 12 માર્ચ, 2025

બેલામાં મોબાઈલ ગેમના ડખામાં કિશોરની ઘાતકી હત્યા

ગાંધીધામ, તા. 11 :  વાગડના પ્રાંથળ પંથકમાં ગત રાત્રિના નશીલા પદાર્થની ખેતીના ગંભીર ગુનાનો પર્દાફાશ થયાનો બનાવ તાજો જ છે, ત્યાં પ્રાંથળનાં જ બેલા ગામમાં ચારેક  શખ્સે પ્રવીણ નામેરી રાઠોડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. બપોરના અરસામાં બનેલા આ બનાવના પગલે વાગડ સહિત કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ  હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ આ બનાવ પંચાયત કચેરીની આસપાસ બપોરે 1.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી  યુવાન મજૂરી કરીને પરત આવતો હતો. આ અરસામાં તેના પરિચિત એવા ચારેક યુવાનો સાથે બેઠો હતો. આ દરમ્યાન સંભવત મોબાઈલ ગેમના પોઈન્ટ બાબતે કોઈ ડખો થયો હતો અને  ઉશ્કેરાયેલા ચારેક શખ્સે ડોક અને પેટના ભાગે છરીના ઉપરાઉપરી ઘા મારીને ઘાતકી હત્યા નીપજાવી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે  હતભાગી કિશોર બપોરે 1.30 વાગ્યા સુધી ઘરે પરત ન આવતાં  પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા.  મળતી વિગતો મુજબ  ગભરાઈ ગયેલા આરોપીઓએ નજીકમાં તળાવનું કામ ચાલુ હતું, ત્યાં કિશોરની લાશને ફેંકી દીધી હતી. આ દરમ્યાન માટી ખાલી કરવા માટે ટ્રેક્ટર આવ્યું, ત્યારે  ચાલકનું ધ્યાન જતાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જો  કોઈનું ધ્યાન ન ગયું હોત, તો   આ બનાવ પણ પ્રકાશમાં ન આવ્યો હોત. બનાવની જાણ થતાં ભચાઉ ડીવાય.એસ.પી. સાગર સાંબડા સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે  ધસી ગયો હતો.  આ લખાય છે, ત્યારે મોડી રાત્રિના  ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકો આજે મોબાઈલ ગેમનો શિકાર થઈ ગયા છે અને પબ-જી ગેમના કારણે  બાળકો આપઘાત કરતા હતા અને માતા-પિતાને મારતા હોવાના અને હત્યાના બનાવ પણ બહાર આવ્યા હતા, જેના ઉપર પાછળથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.  વાગડમાં  મોબાઈલ ગેમિંગે કિશોરની હત્યાના બનાવથી ભારે અરેરાટી પ્રસરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd