• બુધવાર, 12 માર્ચ, 2025

દોઢ કરોડના ગફલા વચ્ચે યુવાન લાપતા બનતાં પ્રકરણ ઘેરું

ભુજ, તા. 11 : માંડવી તાલુકાના મોટા લાયજાના એક પેટ્રોલ પંપના મહત્ત્વના કામદાર શખ્સે માલિક સાથે વિશ્વાસઘાત કરી દોઢ કરોડથી વધુની ઉચાપત કર્યાની માલિકે માંડવી પોલીસને ફરિયાદ અરજી આપી છે. બીજી તરફ જેની સામે આ ફરિયાદ અરજી અપાઇ છે, તે શખ્સ ગુમ થતાં આ પ્રકરણ વધુ ઘેરું બન્યું છે. અધધધ દોઢ કરોડથી વધુની આ ઉચાપત અંગે ગુનો દાખલ થયો કે નહીં તે અંગે માંડવી પોલીસ મથકના પીઆઇ સી.વાય. બારોટનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક કેસની તપાસ અર્થે રાજ્ય બહાર છે, આવી કોઇ અરજી આવી હશે તો તપાસના અંતે યોગ્ય થશે તેવું કહ્યું હતું. માંડવી પોલીસને આજે મોટા લાયજા, કિસાનપર પાસે આવેલા `રૂદ્રેશ્વર પેટ્રોલીયમ' નામના પેટ્રોલ પંપમાં ભાગીદાર એવા જાડેજા મનહરસિંહ વનરાજસિંહે આપેલી ફરિયાદ અરજી પ્રમાણે તેમના પેટ્રોલ પંપના ત્રણ ખાતામાંથી પેટ્રોલ પંપના મેનેજર ચૌહાણ હબીબ આમદ (રહે. મોટા લાયજા) રૂા. 1.50 કરોડની ઉચાપત કરી ચાલ્યો ગયો છે. તેણે આ ત્રણ ખાતામાંથી ઓનલાઇન રકમ ઉપાડી લીધી છે. આ ઉપરાંત ટેબલના કાઉન્ટરમાંથી પણ સાત લાખ રોકડા કાઢીને લઇ ગયો છે. હબીબ ગત તા. 7-4-23થી પંપ ઉપર કામ કરતો હતો, બધો જ વહીવટ તે સંભાળતો હતો, ગ્રાહકની ઉઘરાણી પણ તેની પાસે છે. આમ આરોપીએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ અરજી કરાઇ છે. બીજી તરફ આ હબીબના પિતા આમદ ચૌહાણે માંડવી પોલીસ મથકે હબીબ ગઇકાલથી ગુમ હોવા અંગેની ગુમનોંધ નોંધાવી હોવાનું માંડવીના ઇન્ચાર્જ પીઆઇ ડી.એન. વસવાએ જણાવ્યું હતું. આ જેની ઉપર દોઢ કરોડથી વધુની ઉચાપતની ફરિયાદ  અરજી છે, તે શખ્સ ગુમ હોવાનું સામે આવતાં પ્રકરણ વધુ ઘેરું બન્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd