• બુધવાર, 12 માર્ચ, 2025

કરોડોના ખર્ચે ભુજમાં બસ સ્ટેશન બન્યું છતાં લખપત-અબડાસાના મુસાફરો માટે અસુવિધા

દયાપર (તા. લખપત), તા. 11 : જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કરોડોના ખર્ચે મધ્યસ્થ બસ ડેપોનું નિર્માણ થયું, પરંતુ અબડાસા-લખપત તાલુકાના રૂટમાં જતી બસના પ્લેટફોર્મ પાસે કોઇ બાંકડા (બેન્ચીસ)ની સુવિધા ન હોતાં મુસાફરો બસની રાહ જોતાં ઊભા-ઊભા રહી થાકી જાય છે. અદ્યતન એસ.ટી. બસ ડેપોમાં મુસાફરોને બેસવાની સુવિધા તો મુખ્ય ગણાતી હોય છે ત્યારે પ્લેટફોર્મ નંબર 1થી 5 સુધી બેસવા બાંકડાની સુવિધા ન હોતાં મુસાફરો ઊભા રહી થાકી જાય છે. તેમાં વૃદ્ધ-અશકતોની તો હાલત ખરાબ થઇ જાય છે. આવડાં મોટાં બસ સ્ટેશનમાં ફકત કમાણીનાં સાધનો ઊભા કરવા સ્ટોલ બનાવી દીધા છે પણ મુસાફરોની સુવિધા અંગે વિચારાયું જ નથી. હાલમાં ડેપોના દક્ષિણે પ્લેટફોર્મ નંબર-1 પાસે આવેલ પાણીની પરબના મોટાભાગના નળ બંધ છે, તો એસ.ટી. બસ પણ જે પ્લેટફોર્મ પર રૂટ હોય ત્યાં ઊભી રહેવાની જગ્યાએ આજુબાજુ કે બે-ત્રણ પ્લેટફોર્મ પછીના પ્લેટફોર્મ પર  ઊભી રહે છે. મુસાફરોને થેલા, બેગ લઇ અહીંથી ત્યાં દોડતા રહેવું પડે છે. બસસ્ટેશનમાં ફ્લોર પરની ટાઇલ્સ પર પણ સ્લીપ થઇ જવાય છે. ટૂંકમાં લખપત-અબડાસાના પ્લેટફોર્મ નંબર પાંચ પાસે પણ બેન્ચની સુવિધા જરૂરી છે કારણ કે, પ્લેટફોર્મ નંબર 9થી 12 વચ્ચે જ બેન્ચીસ મુસાફરોથી હંમેશાં હાઉસફુલ હોય છે ત્યારે લોકો બેસે ક્યાં તે પ્રશ્ન છે. જો સામેની જગ્યા પર બેસે તો એસ.ટી. બસ આવીને ચાલી જાય તેની ખબર પણ ન પડે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd