અમદાવાદ, તા. 10 (અમારા
પ્રતિનિધિ તરફથી) : હવામાન વિભાગે આજે અનેક સેન્ટરો માટે યલો એલર્ટ જાહેર કર્યું
હતું. મોટાભાગના સેન્ટરો પર મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2 થી 7 ડિગ્રીનો
વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ આ વાતાવરણમાં કોઈ
ફેરફાર નહીં થાય. ત્યાર પછી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં હીટવેવની
આગાહી વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42 ડિગ્રી
તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી `હોટેસ્ટ` શહેર
રહ્યું હતું. રાજ્યના મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયેલ
તાપમાનની વાત કરીએ તો અમદાવાદ 40.4, ભુજ 42, ગાંધીનગર
40.4, રાજકોટ 41.7, સુરત
41.8, વડોદરા 39.8, અમરેલી 40, ભાવનગર
39.2 ડિગ્રી રહ્યુ હતું. આ સાથે 11 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,
સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ,
વડોદરા, સુરત, અમરેલી,
ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં, 12 માર્ચે
બનાસકાંઠા, ગાંધીનગર,
અમદાવાદ, વડોદરા, રાજકોટ,
અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના અનુસાર 11 માર્ચ, 2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો
થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી.
પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે
કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે
સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી.
સુધીના વિસ્તારમાં 13 માર્ચ,
2025 સુધી ગરમી,
ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે. તેમણે જણાવ્યું હતુ કે 2025માં
ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના
રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી
છે.