ભુજ, તા. 11 : દોઢ વર્ષ અગાઉ ભુજથી ભારાપર જતા રોડ પર આવેલાં ફાટેલાં તળાવ પાસે એક લાશ મળી હતી, જે લાશ શાંતાબેનની હોવાનું તેમના પિતા હરેશભાઇ સામતભાઇ કોલીએ ઓળખી બતાવી હતી. જે-તે સમયે આ મળેલી લાશ તથા તેના હત્યારા સંબંધે રહસ્યના અનેક તાણાવાણા ગૂંથાયેલા હોવાથી ચકચાર મચી હતી. આ કામે તા. 15/2/ 2023ના ભુજના એ-ડિવિ. પોલીસ સ્ટેશન મધ્યે આરોપી જગદીશ ધનજી કોલી વિરુદ્ધમાં મરણ જનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદ પક્ષનો એવો કેસ હતો કે, આરોપીએ અગાઉ મરણ જનાર શાંતાબેનને ભગાડી લઇ જઇને તેના પર બળાત્કાર ગુજારી, જે સંબંધે અગાઉ મરણ જનારે તેના વિરુદ્ધમાં ફરિયાદ આપી અને ત્યારબાદ આરોપી જ્યુબિલી ગ્રાઉન્ડ-ભુજ મધ્યેથી રિક્ષા ભાડે કરીને મરણ જનારને લઇ જઇને ફાટેલાં તળાવ પાસે તૂટેલી કાચની બોટલ વડે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી હતી. ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે કે.પી. મહેશ્વરી (એકલવ્ય) સાથે વકીલ એલ.એલ. બુચિયા, કે.એસ. મહેશ્વરી, આર.એસ. મહેશ્વરી, નરેન્દ્ર પ્રજાપતિ, કે.એમ. ધવડ, આશાબેન ચંદાત (રાપર) હાજર રહ્યા હતા.