ચિનાઈ માટીનાં વાસણોની દુકાનમાં આખલો ઉત્પાત મચાવતો હોય એવી
દુનિયાની હાલત છે. પ્રમુખ ટ્રમ્પે ચૂંટણી ઝુંબેશ દરમિયાન આપેલાં વચનો અનુસાર કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત
સહિત અનેક દેશોમાંથી આવતા માલસામાન પર વધારાની જકાત નાખી છે. કેનેડા અને મેક્સિકો પર
25 ટકા અને ચીન પર કુલ 20 ટકા જકાત નખાઈ છે. ભારતના વાણિજ્ય પ્રધાન વેપાર મંત્રણાઓ માટે
અમેરિકા પહોંચ્યા, તે જ દિવસે
ભારત ઉપર 2 એપ્રિલથી
વળતી સમાન જકાત નાખવાની જાહેરાત કરીને ટ્રમ્પે સંકેત આપ્યો કે, ભારતે કશી રાહત કે કૂણાશની આશા રાખવા જેવી નથી.
આ લખાય છે ત્યારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોની જકાત સ્થગિત કરી છે. ટ્રમ્પ માને છે
કે, અમેરિકાની ઉદાર આયાતનીતિનો ગેરલાભ લઈને અન્ય દેશોએ અત્યાર
સુધીમાં અબજો ડોલરની કમાણી કરી છે, તે બંધ કરાય તો અમેરિકાના
ઉદ્યોગોને લાભ થાય અને રોજગારી વધે. જકાતો નાખવા પાછળની ગણતરી એવી છે કે, અન્ય દેશોની ચીજો અમેરિકામાં મોંઘી થાય અને તેમની આયાત બિનપોષણક્ષમ બને તો
નિકાસ કમાણી ગુમાવવાના ભયથી તેઓ અમેરિકા સાથે વાટાઘાટ કરવા મજબૂર બને, જેમાં અમેરિકા તેમની બજારો પોતાના
માટે ખોલાવી શકે, ગેરકાયદે વસાહતીઓ અને કેફી પદાર્થોની દાણચોરી
સામે પગલાં લેવાની ફરજ પાડી શકે, તેમની સરકારી ખરીદીમાં અમેરિકન
કંપનીઓ સમાન ધોરણે ભાગ લઇ શકે અને બૌદ્ધિક સંપત્તિનાં રક્ષણને નામે અમેરિકાની દવા કંપનીઓ
તગડી કમાણી કરી શકે. આ રણનીતિ તેને માટે નવી નથી. અગાઉ ગરીબ દેશોને આયાત બંધ કરવાની
ધમકી આપીને અમેરિકાએ (અને અન્ય ધનિક દેશોએ) ગાટ, ઉરુગ્વે રાઉન્ડ
અને દોહા રાઉન્ડ જેવા આંતરરાષ્ટ્રીય વેપારી કરારોમાં કૃષિ નિકાસો, બૌદ્ધિક સંપત્તિ હક્કો અને ટ્રેડ ફેસિલિટેશનના મામલે પોતાનું ધાર્યું કરાવ્યું
જ છે. આ વખતે ફરક એટલો છે કે, ટ્રમ્પે ગરીબ દેશો જ નહીં,
કેનેડા, કોરિયા અને યુરોપ જેવા વિકસિત દેશોને પણ
ઝપટમાં લીધા છે. હું કહું તેમ કરો, નહિ તો પરિણામો માટે તૈયાર
રહો. આ તેમની ભૂમિકા છે. બીજા દેશો તેમને તાબે થાય એવું અત્યારે તો લાગતું નથી. ચીને
અમેરિકાની કૃષિ પેદાશો અને મરઘાં પર 15 ટકા અને સોયાબીન તથા ડુક્કરનાં માંસ ઉપર 10 ટકા જકાત નાખી છે અને પડકાર
ફેંક્યો છે કે, અમેરિકા જે પ્રકારનું યુદ્ધ
કરવા માગતું હોય તેને માટે ચીન તૈયાર છે. ચીને અમેરિકાનાં મધ્ય-પશ્ચિમમાં ટ્રમ્પ-સમર્થક
રાજ્યોમાં ઉગાડાતી કૃષિ પેદાશોને નિશાન બનાવી છે. કેનેડાએ અમેરિકાની 155 અબજ ડોલરની નિકાસ પર 25 ટકા જકાત નાખી છે. મેક્સિકો
એમ કરવાની તૈયારીમાં છે. યુરોપના દેશો પણ યુક્રેન અને નાટોના મામલે અમેરિકાનાં વલણથી
નારાજ અને સાશંક છે. યુરોપિયન યુનિયને પણ ટ્રમ્પને નિર્ણયાત્મક પ્રતિકારાત્મક પગલાંની
ચેતવણી આપી છે. ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ટ્રમ્પને સમજાવવાની આશા તેણે
હજી છોડી નથી. દરમ્યાન, ડોનાલ્ડ ટ્રમ્પનું
નિવેદન આવ્યું છે કે, ભારત સરકાર ટેરિફ ઘટાડવા સહમત થઇ છે અને
વાતચીત ચાલુ છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ બાબતે મોદી સરકારનો ખુલાસો માગ્યો છે. ટ્રમ્પ
પોતે બોલ્યું પાળી બતાવવાની શેખી કરી શકે છે, પણ તેમના ઉધામાથી
અમેરિકાને લાભ કરતાં નુકસાન વધુ થશે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા જકાત નાખવાથી અમેરિકન ઉદ્યોગપતિઓ
નવા પ્લાન્ટ નાખવાના નથી. કેમ કે, 25 ટકા જકાત પછી પણ ઊંચાં વેતનો
અને મોંઘી વીજળીને કારણે અમેરિકામાં આ ધાતુઓનું ઉત્પાદન પોષણક્ષમ બનવાનું નથી. ટ્રમ્પ
જકાત નાખીને જે કરોડો ડોલર કમાવાની વાત કરે છે એ ડોલર અમેરિકન પ્રજાજનો અને કંપનીઓએ
ચૂકવવાના છે, વિદેશીઓએ નહિ. આયાતી વસ્તુઓ
મોંઘી થવાથી મોંઘવારી વધશે અને ટ્રમ્પ-સમર્થક મધ્યમવર્ગનું જીવન દોહ્યલું બનશે. એક
અંદાજ મુજબ દરેક અમેરિકન ઉપર વર્ષે 1200 ડોલરનો વધારાનો ખર્ચ આવશે. સરવાળે અમેરિકામાં મોંઘવારી વધશે, વ્યાજદર
ઊંચા જ રહેશે, વિકાસ મંદ પડશે અને અમેરિકા મહાન બનવાને બદલે વધુ
અળખામણું અને નિસ્તેજ બનશે. ટ્રમ્પનાં મનમાં શું ચાલે છે, તેમને
ખરેખર શું જોઈએ છે કે હવે પછી તે શું કરશે તે કોઈ કહી શકે તેમ નથી. આ અનિશ્ચિતતાથી
ભરપૂર વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઘટશે, જાગતિક વિકાસ મંદ
પડશે અને રોકાણકારો નિરુત્સાહ થશે. આ યુદ્ધમાં કોઈ વિજેતા નહિ હોય. ટ્રમ્પની આક્રમક
ટેરિફ નીતિએ અમેરિકામાંય બેચેની સર્જી છે.