• બુધવાર, 12 માર્ચ, 2025

યુજીસી કાયદાનો વિવાદ

ભારતમાં સબળ લોકશાહીના ફાયદા અને ગેરફાયદા બન્ને હોવાનું કડવું સત્ય વારંવાર સામે આવતું રહે છે. દેશહિતના કોઈપણ મુદ્દામાં વિરોધપક્ષો વાંધા વચકા કાઢવાની કોઈ તક ચૂકતા નથી. આને કારણે ઘણી વખત ચાવીરૂપ મુદ્દા વિલંબમાં પડી જતા હોય છે. આવી જ હાલત ઉચ્ચ શિક્ષણનાં માળખાંને સુધારવાના ઉદ્દેશ સાથે તૈયાર કરાયેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના કાયદાના મુસદ્દાની થઈ રહી છે.  આ મુસદ્દાનો વિપક્ષ શાસિત પાંચ રાજ્યએ વિરોધ કર્યે છે.  કર્ણાટક, તામિલનાડુ, કેરળ, ઝારખંડ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશે યુજીસી કાયદાના મુસદ્દાના વિરોધમાં એક સૂર થયા છે. યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરો (વીસી)ની પસંદગીની પ્રક્રિયાની સામે અને રાજ્યપાલોની સક્રિયતા સામે વિપક્ષી રાજ્ય સરકારને વાંધો છે. આમ તો વિપક્ષ શાસિત ન હોય એવાં રાજ્યોને પણ નારાજગી હોવાનું કહેવાય છે, પણ તેઓ રાજકીય કારણોસર જાહેર વિરોધ કરી શકતાં નથી. આમ, આવનારા સમયમાં યુજીસીના કાયદાનો મુસદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે મતભેદનું કારણ બની શકે છે. રાજ્ય સરકારો વીસીની પસંદગી ઉપરાંત યુનિવર્સિટીનાં સંચાલન અને મદદનીશ પ્રાધ્યાપકોની નિયુક્તિની પાત્રતા જેવા મુદ્દે કેન્દ્ર સરકારનાં નિયંત્રણની સામે વાંધો ધરાવે છે. આમ, આ મહત્ત્વના કાયદાના મુસદ્દામાં વિપક્ષ શાસિત રાજ્ય સરકારો એકસાથે વાંધો વ્યક્ત કરી રહી છે, ત્યારે તેમના વાંધામાં વજુદ હોય એવી છાપ ઉપસી રહી છે.  આજે શિક્ષણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સમવર્તી વિષય સૂચિમાં સમાવેશ ધરાવે છે. આવામાં યુનિવર્સિટીના વીસીની પસંદગીમાં રાજ્ય સરકારોના અધિકારની બાદબાકી સામે તેમનો વાંધો પ્રથમ નજરે યોગ્ય જણાઈ રહ્યો છે. સાથોસાથ એવી પણ છાપ સતત સામે આવતી રહે છે કે, વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલો વહીવટી પ્રક્રિયામાં સતત દખલગીરી કરતા રહે છે. યુજીસીના નિયમોના મુસદ્દાને લીધે રાજ્યપાલોની દખલગીરી વધે એવો અંદેશો વિરોધપક્ષોને છે. ખરેખર તો ઉચ્ચ શિક્ષણને વધુ અસરકારક બનાવવાના ઈરાદાને મૂર્તિમંત કરવાના પ્રયાસોમાં રાજ્ય સરકારોની સાથે સહયોગ અને સંમતિ સાધવા કેન્દ્ર સરકારે પ્રયાસ આદરવાની  જરૂરત છે. વિપક્ષ શાસિત રાજ્યોએ પણ તમામ મુદ્દે વિરોધ કરવાનાં વલણને ત્યજીને સહકારનો પ્રતિસાદ આપીને ઉચ્ચ શિક્ષણને વધુ સક્ષમ બનાવવામાં સહભાગી થવાની જરૂરત છે.  યુજીસીના કાયદાનો મુસદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકારોની જીદમાં અટવાઈ જવો જોઈએ નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd