• બુધવાર, 12 માર્ચ, 2025

`ગરીબી હટાવોથી મધ્યમવર્ગ બચાવો...'

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : રાજકારણ અને અર્થકારણની સમતુલા જાળવવી આસાન નથી. રાજકીય હેતુ - સ્વાર્થ માટે અર્થતંત્રનો ભોગ લેવાનું સહેલું હોય છે. પાંચ દાયકા અગાઉ કોંગ્રેસનાં ભવ્ય ભંગાણ વખતે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ `ગરીબી હટાવો'નું સૂત્ર આપીને ગરીબ વોટ બેન્ક શરૂ કરી. ચૂંટણીમાં પૂરો લાભ આ સૂત્રનાં કારણે મળ્યો. એમના પછી રાજીવ ગાંધીએ પણ લોન મેળા શરૂ કર્યા. ઈન્દિરાજીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રાજીવ ગાંધીએ `લોન મેળા' શરૂ કર્યા ! ત્રીસ વર્ષ પછી નરસિંહરાવે આર્થિક સુધારા શરૂ કર્યા. નાણાપ્રધાન ડો. મનમોહન સિંહે બેન્કિંગ સુધારા કર્યા, પણ ત્યાં સુધીમાં તો `મોટા માણસો' બેન્કો ઉપર `ધાડ' પાડવામાં સફળ થયા હતા ! ઈન્દિરા ગાંધીનાં `ગરીબી અર્થતંત્ર'નું અનુકરણ થવા લાગ્યું. વોટ બેન્કની જેમ ઉપયોગ થયો. આખરે હવે ગરીબ સાથે મધ્યમવર્ગનાં કલ્યાણ - રાહતની શરૂઆત થઈ છે. અત્યાર સુધી મધ્યમવર્ગની અવગણના અને અન્યાય જ થયો છે. આ દરમિયાન કેજરીવાલે પણ ગરીબોને મફત વીજળી અને પાણીની લહાણી શરૂ કરી. ચૂંટણીમાં વોટ ખરીદવાનો વ્યૂહ સફળ થયો, પણ લોકતંત્રમાં નાગરિકોને ભીખ માગવાની આદત પડી ! અલબત્ત, આવી મફતિયા યોજનાઓનો મુખ્ય લાભાર્થી ગરીબવર્ગ જ રહ્યો. મોદી સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણ કર્યું, પણ તે કોરોનાની બીમારી, હાડમારી અને બેકારીમાં રાહત યોજના હતી. અલબત્ત, તેનો લાભ ચૂંટણીનાં રાજકારણમાં જરૂર મળ્યો છે. લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપની પીછેહઠ થયા પછી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી ખરી, પણ ભાજપે વ્યૂહ સુધારવાની અનિવાર્યતા સ્વીકારી. દિલ્હીની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. કેજરીવાલના `મફતિયા વ્યૂહ'નો પ્રતિકાર કરવા માટે મધ્યમવર્ગને કાયમી રાહત આપવામાં આવી. ચૂંટણીમાં અપાતાં વચનો - પ્રલોભનો કરતાં બજેટમાં અપાયેલી રાહત નિશ્ચિત - નક્કર હોય છે, જ્યારે ચૂંટણી વચનો ડફોળશંખ જેવાં હોય છે ! મોદી સરકારે બજેટ મધ્યમવર્ગ કેન્દ્રી બનાવ્યું છે. મધ્યમવર્ગનું જનતા બજેટ કહ્યું છે. મધ્યમવર્ગનું નામ અને કામ ચૂંટણીમાં બ્રહ્માત્ર સમાન છે અને તેના લાભાલાભની પૂરી ગણતરી - અભ્યાસ કરવામાં આવ્યો છે. દિલ્હી પછીની ચૂંટણીઓમાં પણ મધ્યમવર્ગની અવગણના નહીં થાય. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી વારંવાર મધ્યમવર્ગનો ઉલ્લેખ કરતા હતા. આ પછી સંસદમાં રજૂ થયેલાં આર્થિક સર્વેક્ષણમાં પણ મધ્યમવર્ગની ખરીદશક્તિ વધારવા ઉપર ભાર મુકાયો અને રાષ્ટ્રપતિજીનાં મંગળ પ્રવચનમાં ગરીબ સાથે મધ્યમવર્ગને જોડવામાં આવ્યો. વિકસિત ભારતના ચાર સ્તંભ - ગરીબ, યુવાવર્ગ, મહિલા અને કિસાન સાથે મધ્યમવર્ગનો ઉમેરો થયો. મધ્યમવર્ગની આશા, અપેક્ષા અને આકાંક્ષા વિકસિત ભારત અભિયાનને શક્તિ પ્રદાન કરે છે. વીતેલાં વર્ષોમાં 25 કરોડ લોકો ગરીબીની  રેખા નીચેથી ઊઠીને મધ્યમવર્ગમાં સામેલ થયા છે. મધ્યમવર્ગની ફરિયાદોની ચર્ચા પચાસ વર્ષથી સંભળાય છે. સોશિયલ મીડિયાની હાજરી અને પ્રભાવ હવે જોવા મળે છે, પણ વરિષ્ઠ વાચકોને યાદ હશે કે ભાવવધારા - મોંઘવારી સામે ફરિયાદ કરનારો મધ્યમવર્ગ હતો, જ્યારે સાંભળનારું કોઈ ન હતું ! મધ્યમવર્ગ એટલે ધનિક નહીં અને ગરીબ પણ નહીં. ત્રિશંકુ - ન ઘરના, ન ઘાટના ! ધનવાનોને સરકારની મહેરબાની મળતી હતી અને ગરીબો `િબચારા'... ચૂંટણીમાં ગરીબી હટાવો - ગરીબોને લહાણી મળે, પણ મધ્યમવર્ગ આવા લાભથી વંચિત રહે, કારણ કે હાથ લંબાવાય નહીં ! કહેવાય નહીં, સહેવાય નહીં એવી સ્થિતિમાં મધ્યમવર્ગે જોયું કે ગરીબોને રાહત મળે છે અને ધનવાનોના વેરા ઘટાડાઈ રહ્યા છે. 2019નાં બજેટમાં કંપની ક્ષેત્રના કરવેરામાં ધરખમ ઘટાડો થયો હતો ! કંપની ક્ષેત્રના નફામાં ધરખમ વધારા થયા છે, પણ કર્મચારીઓને લાભ મળ્યા નથી. મધ્યમવર્ગની નિશ્ચિત વ્યાખ્યા જ  નથી ! એક વ્યાખ્યા એવી છે કે વાર્ષિક 12 લાખ રૂપિયાથી કરોડ રૂપિયા સુધીની આવક હોય, તે મધ્યમવર્ગમાં આવે. બીજી વ્યાખ્યા વાર્ષિક છ લાખથી 30 લાખ રૂપિયાની છે. મધ્યમવર્ગ ઉપર આવકવેરાનું ભારણ સૌથી વધુ રહ્યું છે. આમાં પણ વધુ આવક હોય એમણે - કંપની ક્ષેત્રના ઉચ્ચ - અથવા અબજોની આવક ઉપરના વેરાથી ડબલ - આવકવેરો ભર્યો છે ! આજના મધ્યમવર્ગમાં બીજી પેઢી આપમેળે - આપબળથી આગળ આવી છે ! આશા - અપેક્ષાની પૂર્તિ માટે જહેમત કરે છે. આ વર્ગમાં પગારદાર અને પેન્શનધારકો પણ આવે છે. એમની ખરીદશક્તિ હોવાથી સ્માર્ટફોન, રેફ્રિજરેટર, ટી.વી.થી મોટરકાર સુધીની માર્કેટ ટકી રહે છે. ઘર - હાઉસિંગ લોન પણ લઈ શકે છે. હવે રિઝર્વ બેન્ક લોનના વ્યાજદર ઘટાડશે તેનો લાભ પણ મળશે. બજેટમાં મધ્યમવર્ગને આવકવેરામાં જે રાહત અપાઈ છે, તેનો લાભ ત્રણ કરોડ કરપાત્ર નાગરિકોને મળશે અને સરકારની તિજોરીને એક કરોડ રૂપિયા ઓછા મળશે. આ રકમમાંથી લગભગ પચાસ ટકા બેન્ક બચત ખાતામાં જમા થાય તો પણ બાકીના પચાસ ટકા ખરીદીમાં વપરાય. ખરીદશક્તિ વધે તો ઔદ્યોગિક - વ્યાપારી ક્ષેત્રમાં ઉત્પાદન વધે અને અર્થતંત્રને લાભ થાય. આમ, આવકવેરો ઘટે તો સરવાળે સરકાર અને અર્થતંત્રને લાભ છે. ત્રણ કરોડ લોકોની ગ્રામ્ય વિસ્તારો સહિત ખરીદી શરૂ થાય તો મંદીનો સવાલ જ નથી. આથી જ, મધ્યમવર્ગ અર્થતંત્રની કરોડરજ્જુ છે એમ કહેવાય છે. આપણા દેશનાં ઉત્પાદનની પચાસ ટકા ખરીદી મધ્યમવર્ગ દ્વારા થાય છે, એવો અંદાજ છે. હવે પ્રશ્ન છે ચૂંટણીનાં રાજકારણનો: દક્ષિણ ભારતને બાદ કરતાં સમગ્ર દેશમાં મધ્યમવર્ગના મતદારોને મોદી ઉપર પૂર્ણ વિશ્વાસ છે. ટીકા - ફરિયાદ કરવા છતાં વોટ તો મોદીને જ અપાય એમ દૃઢપણે માને છે, તેથી હવે આ વર્ગને રાહત મળવી જ જોઈએ એવો નિર્ણય છે. મફતિયા - રેવડીનો ભ્રષ્ટાચાર બંધ કરવા માટે કરવેરામાં રાહત અને બેકારી નિવારણ વિકસિત ભારતનો એકમાત્ર વિકલ્પ છે. દેશભરનાં મુખ્ય શહેરોમાં મધ્યમવર્ગની ટકાવારીનો અભ્યાસ થયો છે, જે મુજબ વર્ષ 2022માં દિલ્હીની વસ્તીમાં 67 ટકા મધ્યમવર્ગના હતા, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 34 ટકા હતા. સમસ્ત રાષ્ટ્રની વસ્તીમાં 31 ટકા મધ્યમવર્ગ હોવાનો અંદાજ છે. છેલ્લી ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઘટી છે. ગુજરાતનાં ગાંધીધામમાં માત્ર 48.14 ટકા વોટિંગ થયું. સામાન્ય અનુભવ એવો છે કે જ્યાં વોટ `ખરીદવામાં' આવ્યા હોય, ત્યાં વોટિંગ વધુ થાય છે. ધનવાન અને મધ્યમવર્ગ નિરુત્સાહી હોય છે. લોકતંત્રમાં મતદાન વધે - મધ્યમવર્ગનો ઉત્સાહ જાગે અને વધે તે જરૂરી છે. હવે સોશિયલ મીડિયા - સ્માર્ટફોન અને એઆઈની બોલબાલા છે. બધા જ રાજકીય પક્ષોમાં કાર્યકરો અને નેતાઓમાં મધ્યમવર્ગની ભાગીદારી - યોગદાન ઘણું હોય છે. એક વિદેશી કંપનીના અંદાજ મુજબ આગામી બે વર્ષમાં ભારતમાં એક અબજ સ્માર્ટફોનધારકો હશે અને મધ્યમવર્ગ વધુ સક્રિય બનશે. ભ્રષ્ટાચાર સામેનાં અભિયાનમાં અણ્ણા હઝારે અને કેજરીવાલને મધ્યમવર્ગનું સમર્થન મળ્યું. સ્માર્ટફોન અને વોટ્સએપનો માર્ગ મળ્યો. હવે ભવિષ્યની ચૂંટણી માટે મધ્યમવર્ગની સેવા લેવી હોય તો મોદી સરકારે યુવાપેઢીની બેકારીનું નિવારણ કરવું પડશે. લાભ ભાજપ - મોદીને મળી શકે. અને છેલ્લે... બજેટની રાહતોનો રાજકીય લાભ ભાજપને દિલ્હીમાં મળ્યો છે એમ પણ કહી શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd