• બુધવાર, 12 માર્ચ, 2025

શિક્ષણ ક્ષેત્ર માટે બજેટની ફાળવણી પૂરી ખર્ચાય

આધુનિક વિશ્વમાં સક્ષમ શિક્ષણ વ્યવસ્થાની અનિવાર્યતા સતત વધી  રહી  છે. ભારત જેવા વિશાળ અને વિકસતા દેશમાં આ અનિવાર્યતા સતત સામે આવતી રહી છે. કોઈપણ નાગરિકને વધુ સજ્જ બનાવવા અને તેનાં વ્યક્તિત્વને ઓપ આપવા માટે શિક્ષણ હંમેશાં ચાવીરૂપ બની રહે છે. શૈક્ષણિક રીતે સજ્જ નાગરિકો દેશના વિકાસને ખરા અર્થમાં મજબૂત કરી શકતા હોય છે, પણ ભારતમાં શિક્ષણના વિકાસ અને પ્રસાર સામે હંમેશાં પડકાર રહ્યા છે. આ પડકારો સમયની સાથે વધુને વધુ વણઉકેલ બની રહેતાં દેશ અને સમાજની સામેની સમસ્યાઓમાં વધારો થતો રહ્યો છે. ખરેખર તો સરકારે હવે શિક્ષણ ક્ષેત્રની માટે અંદાજપત્રમાં અગ્રતા આપવાનો સમય પાકી ગયો છે. આઝાદી બાદથી ભારતમાં શિક્ષણ વ્યવસ્થાએ દેશનાં મૂલ્યોથી અળગી કરીને તેને પશ્ચિમી રંગ આપવા પર સતત ધ્યાન અપાતું રહ્યંy છે. પશ્ચિમી મોડેલ આધારિત શિક્ષણ વ્યવસ્થાની અસરને લીધે દેશમાં તમામ વર્ગને એક સમાન તકો ઉપલબ્ધ કરાવવાનું દિવસો દિવસ મુશ્કેલ બની રહ્યંy છે. આની સાથોસાથ દેશની શિક્ષણ વ્યવસ્થાને સ્વાયત્ત અને સમાવેશી બનાવવાની વાત હજી કાગળ પર જ રહી ગઈ છે. આમ તો ભારતે અમૃતકાળમાં 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે, ત્યારે તેને હાંસલ કરવામાં શિક્ષણ વ્યવસ્થાની ઉપર યોગ્ય ધ્યાન આપવાની અનિવાર્યતા હવે સમજવાની જરૂરત છે. છેલ્લાં ઘણા વર્ષોથી દેશનાં અંદાજપત્રમાં શિક્ષણ માટે છ ટકા ખર્ચની જોગવાઈ કરવાની વાતો થાય છે, પણ કમભાગ્યે તેનો અમલ થઈ શકતો નથી. વાસ્તવમાં શિક્ષણ પર માંડ ત્રણ ટકા જ ખર્ચ થઈ શકે છે. ઓછાં આર્થિક ભંડોળને લીધે શિક્ષણ માળખાંમાં સુધારો થઈ શકતો નથી. શાળા, મહાશાળા કે વિશ્વવિદ્યાલય મોટાભાગની ઈમારતો માળખાંકીય રીતે નબળી પડતી જાય છે. આ ઓછું હોય તેમ શિક્ષકોની ઘટ સતત વધતી રહે છે, જેને લીધે છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનાં લક્ષ્ય કાગળ પર રહે છે. આ વખતે નાણામંત્રીએ દેશનાં સો ટકા બાળકો શાળાએ જાય એવું લક્ષ્ય જાહેર કર્યું છે. આ માટે પ00 કરોડનાં ભંડોળની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયાના ઈ-લર્નિંગ માટે બીજા 681 કરોડ ફાળવવામાં આવ્યા છે. મેડિકલ કોલેજેમાં દસ હજાર વધારાની બેઠક ઉપલબ્ધ કરાવાશે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ડિજિટલ પાઠય પુસ્તકો પૂરાં પાડવાની તૈયારી થઈ રહી છે. વધુ પાંચ આઈઆઈટી કાર્યરત કરવા 1.48 લાખ કરોડની રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકાર હસ્તકની શિક્ષણ સંસ્થાઓ માટે બજેટ વધારાયું છે. ઉચ્ચ શિક્ષણ માટે 7.74 ટકાનો અને શિક્ષણ ક્ષેત્ર માટે બજેટની ફાળવણીમાં 6.6પ ટકાનો વધારો થયો છે, પરંતુ આ બધાનો શિક્ષણ માટેનો સરવાળો  બજેટનો માત્ર 2.પ ટકાએ ઊભો રહી જાય છે. વળી, આ અઢી ટકાની ફાળવણીમાં વાસ્તવિક ખર્ચ તો તેનાથી ઓછો રહી જતો હોય છે.  સરકારે ખરેખર તો શિક્ષણ ક્ષેત્રનાં મહત્ત્વને સમજીને બજેટમાં કરાયેલી ફાળવણીનો પૂરતો અને યોગ્ય ખર્ચ થાય તે માટે ધ્યાન આપવાની જરૂરત છે. આમ થાય તો પણ શિક્ષણ જગતની સામેના પડકારો હળવા બની શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd