ઉત્તરાખંડ સરકારે સમાન નાગરિક સંહિતા-યુનિફોર્મ સિવિલ કોડનો
અમલ શરૂ કરાવ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ એ દિશામાં તૈયારી આદરી છે. બહુ પહેલેથી જ
ચર્ચામાં રહેલા આ યુસીસી માટે ગંભીર વિચારણા બાદ હવે તેનો અમલ કરાવવા તરફ જ્યારે સરકાર
જઈ રહી છે, ત્યારે ફરી એકવાર તેના
વિશે ચર્ચા અને સવાલો ઊઠે એ સ્વાભાવિક છે. ગુજરાત સરકારે આ કાયદાના અમલ માટે એક સમિતિની
રચના કરી છે, જે 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને આપશે. ભાજપ શાસિત તમામ રાજ્યો
તબક્કાવાર યુસીસીનો અમલ કરશે તે સ્પષ્ટ છે. મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલે કહ્યું કે, સમાન નાગરિક
સંહિતાની જરૂરત ચકાસવા તથા તેના ઉપરથી મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત
ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવામાં આવી છે. અન્ય
સમિતિઓ અને આ રચના વચ્ચે તફાવત છે. યુસીસીના અમલમાં અસંમતિ ઘણા સમયથી છે. કોંગ્રેસે
સમિતિની જાહેરાત થતાં જ વિરોધ શરૂ કરી દીધો છે. જો કે, તે વિરોધ
ટકે તેવી કોઈ શક્યતા નથી. બીજી તરફ મુસ્લિમ અગ્રણીઓએ પણ ગઈકાલથી એવી ઉગ્ર માગણી કરી
છે કે, સમિતિમાં તેમના સમુદાયમાંથી પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
સમાન નાગરિક સંહિતા સંદર્ભે તેમને પોતાના અધિકારો અને પરંપરાની ચિંતા છે. યુસીસી સમિતિએ
આ બાબતો જોવી પડશે. યુસીસી માટે સમિતિ રચાવાની સાથે બીજો કોઈ વિવાદ ન સર્જાય તે માટે
સરકારે એવી જાહેરાત પણ કરી કે, અનુસૂચિત જનજાતિના લોકોની જીવનશૈલી,
પરંપરા ઉપર તેની અસર થવા દેવામાં નહીં આવે. કારણ કે, લગ્ન વગેરે બાબતોમાં તો આ કાયદાથી તે સમુદાય પણ અસરગ્રસ્ત થઈ શકે તેમ છે. સમાન
નાગરિક સંહિતાની શક્યતા ચકાસાઈ રહી છે. બંધારણીય બાબત હોય એટલે કોઈ પણ સરકાર તેની પ્રક્રિયા
તબક્કાવાર, પગથિયાં અનુસાર કરે તે સ્વાભાવિક છે. જ્યારે પણ ગુજરાતમાં
આ ધારાનો અમલ થશે ત્યારે લગ્નની નોંધણી ફરજિયાત બનશે. ધર્મ, જાતિ,
સંપ્રદાયને ધ્યાને લીધા વગર છૂટાછેડા માટે સમાન કાયદો રહેશે. પુત્ર જેટલો
જ હિસ્સો પુત્રીઓને પણ સંપત્તિમાં મળશે. `િલવ ઈન રિલેશનશિપ'થી જન્મેલાં સંતાનને પણ પરિણીત યુગલનાં સંતાન જેટલા અધિકાર મળશે. મુખ્યમંત્રીએ
જો કે કહ્યું છે કે, સમિતિ અહેવાલ આપે પછી તેના અમલ અંગે નિર્ણય
થશે. તેમણે મંત્રીઓને અનુરોધ કર્યો છે કે, આ મુદ્દે કોઇ નિવેદનો
કોઇએ કરવાં નહીં. આ સૂચક અને નોંધનીય છે, પરંતુ સ્થિતિ જોતાં
આ સંહિતા સામે કોઈ અવરોધ આવે અને જો આવે તો ટકે તેવું લાગી રહ્યું નથી. સમાન નાગરિક
સંહિતા ભાજપનો પણ ઘણો જૂનો મુદ્દો છે. દેશના ઘણા લોકો પણ તેની તરફેણમાં છે. મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એ વાત સત્ય છે કે, મોદીનાં નેતૃત્વ હેઠળની સરકાર બોલ્યું પાળવાની નીતિમાં માને છે. કાશ્મીરને
વિશેષ દરજ્જો આપતી ધારા 370ની નાબૂદી, ત્રિપલ તલાક તેનાં ઉદાહરણ છે. સમાન નાગરિક સંહિતા
ભાજપનો જૂનો એજન્ડા છે. રાજ્ય સરકાર સુપેરે પરિચિત છે કે, યુસીસીનો
અમલ સંવેદનશીલ મુદ્દો છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઇને પંચનાં અધ્યક્ષ બનાવવામાં તેમની નિર્ણયક્ષમતા,
કાબેલિયત અને અનુભવ ધ્યાને લેવામાં આવ્યા છે. પંચના અન્ય સભ્યોએ કહ્યું
છે કે, આ કામ પડકારભર્યું છે, પણ ઉત્તરાખંડ
કરતાં વધુ સારો કાયદો ગુજરાતમાં બનાવવા માગે છે. ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભાજપ સશક્ત
છે. જંગી બહુમતી ધરાવે છે. આ પવન બીજાં ભાજપ શાસિત રાજ્યોમાં પણ પહોંચશે એ નક્કી છે.