કેન્દ્રીય બજેટમાં આવકવેરાનાં માળખાંમાં ભારે રાહત જાહેર થતાં
સ્વાભાવિક રીતે જ ચોમેરથી તેને આવકાર સાંપડી રહ્યો છે. મધ્યમવર્ગના નોકરિયાતો આ રાહતથી
વેરામાં થનારી બચતની ગણતરી કરી રહ્યા છે ત્યારે અર્થશાત્રીઓ આવકવેરામાં ભારે ઘટાડાની
અસરોની ગણતરી માંડી રહ્યા છે. આવકવેરાની આ
આવકમાં ઘટાડાથી અર્થતંત્રમાં અવળી અસર પડી શકે તેવી આશંકાની સાથોસાથ મધ્યમવર્ગ પાસે
આર્થિક હળવાશ ઊભી થતાં તેમની ખર્ચશક્તિ વધી શકે છે,
જેનાથી દેશના અર્થતંત્રને સરવાળે ફાયદો થઈ શકે એવી આશા પણ જાગી છે. નાણાંમંત્રી
નિર્મલા સિતારામને જાહેર કરેલી આ રાહતોથી મધ્યમવર્ગની સાથોસાથ સરકારના અર્થતંત્રને
ફાયદો મળશે એવી ગણતરીઓ વચ્ચે તેની નકારાત્મક અસરોની ભીતિ પણ સામે આવી રહી છે. ખાસ તો
અર્થતંત્રને જ્યારે બજારમાં ખરીદી અને માંગમાં વધારાની અનિવાર્યતા છે તેવા સમયે મધ્મવર્ગની
પાસે વેરાની રકમની બચતથી ઉપલબ્ધ નાણાં બજાર તરફ વળશે એવી અપેક્ષા રખાઈ રહી છે. દેશમાં
નોંધપાત્ર પ્રમાણમાં રહેલા મધ્યમવર્ગ પાસે નાણાંની ઉપલબ્ધિ વધે તો આ વર્ગ બજારમાં ખરીદી
વધારે એવા સાદા ગણિતથી અર્થતંત્રને વેગ મળી શકે તેમ છે, પણ સરકારે
હજી વ્યક્તિગત હોય કે કોર્પોરેટ આવક હોય તેને વધારવા માટે કોઈ નક્કર પગલાં લીધાં ન
હોવાની વાત અર્થતંત્રની આડે મોટો અંતરાય બની રહી છે. એ વાત બરાબર કે, વેરમાં રાહતથી
નાણાંની ઉપલબ્ધિ વધશે પણ આની સાથોસાથ તમામ વર્ગોની ખરેખરી આવક વધારવાનાં પગલાં પણ લેવાયાં
હોત તો દેશના અર્થતંત્રને ખરા અર્થમાં વેગ મળી શકે તેમ છે. આમ તો દેશમાં આવકવેરાનું
રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યા માત્ર આઠ કરોડ જેટલી જ છે. 160 કરોડની વસ્તીમાં માત્ર આઠ કરોડ રિટર્ન ફાઈલ કરે અને આવકવેરો
તો માત્ર ત્રણ કરોડ જ ભરે છે, પણ બજેટમાં રાહત મળતાં આ સંખ્યા વધુ
ઘટી શકે છે અને આવક પણ ઘટી શકે છે. સરકાર માટે
આવકના આ ખાડાને ભરવા માટે જીએસટી હાથવગું સાધન છે. સ્પષ્ટ છે કે, જીએસટીના દરમાં કાપની અપેક્ષા સરકાર ફળીભૂત કરી શકશે નહીં. આમ એક તરફની રાહતને સરભર કરવા બીજે રાહત આપી શકાય
તેમ નથી. શક્ય છે કે જીએસટીના દરમાં વધારો
કરીને આવકવેરાની ખાધને ઓછી કરવા પર વિચાર થાય. આમ થાય તો અર્થતંત્ર અને મધ્યમવર્ગના
બજેટની હાલતમાં કોઈ મોટો સુધારો થાય નહીં. જોવાનું એ રહેશે કે સરકાર સમતુલન જાળવવા
આગામી સમયમાં કેવા પગલાં લેશે. આમે આ વખતના
આર્થિક સમીકરણોને જોતાં બજેટમાં ગયા વર્ષની સરખામણીને માળખાંકીય સુવિધાઓ અને લોકકલ્યાણની
યોજનાઓ માટેની નાણાકીય ફાળવણીમાં કોઈ વધારો થયો નથી. સ્પષ્ટ છે કે, આવકમાં ઘટાડાની
સીધી અસર આ બન્ને ચાવીરૂપ ક્ષેત્રોની નાણાકીય ફાળવણી પર પડી છે. સરકારે અન્ય જગ્યાઓએ
ખર્ચમાં ઘટડો કરીને આવકને સરભર કરવા પર ધ્યાન આપવાની જરૂરત હતી જેથી માળખાંકીય સુવિધાઓ
અને લોકકલ્યાણની ચાવીરૂપ યોજનાઓને ખરા અર્થમાં વધુ ભંડેળ મળી શકે. આવનારા સમયમાં નાણામંત્રી આ બાબતે વિચારે અને જરૂરત
મુજબ સુધારાનાં પગલાં લેશે એવી અપેક્ષા તેમની પાસેથી અને સરકાર પાસેથી રાખવી રહી.