ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગણી સુપ્રીમ
કોર્ટે નકારી કાઢી છે. આ પૂર્વે પણ ઈવીએમના વિરોધમાં અનેક લોકો, સંસ્થાઓ અને રાજકીય
પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. આ બધાની એકત્રિત સુનાવણી કરતાં ઈવીએમ માટે ક્યો
વિકલ્પ તમારી પાસે છે? એવો પ્રશ્ન અરજદારોને પૂછાતાં તેમણે મતપત્રિકા (બેલેટ પેપર)નો
વિકલ્પ સૂચવ્યો હતો, ત્યારે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં તેનો વિરોધ કર્યો હતો
અને આ વાત કોર્ટે ફરી યાદ કરાવી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ વિપક્ષે
ફરી ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. ઈવીએમ પર સવાલ કરતાં દેશભરમાં બેલેટ પેપરથી ચૂંટણી
કરાવવાનું અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. આવી જ હાકલ મહારાષ્ટ્રમાં શરદચંદ્ર પવારની
રાષ્ટ્રવાદી કોંગ્રેસે કરી છે. આમ, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ આનું માન જાળવવાનું
આ પક્ષોના નેતાઓમાં નથી એવું અગાઉ અનેક વેળા જણાઇ આવ્યું છે. સંસદમાં બંધારણ દિવસ પર
આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અભિવાદન સુદ્ધાં લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધીએ નહોતું કર્યું. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પોતાની બેઠક લે તે પહેલાં
જ રાહુલ ગાંધી મંચ પર પોતાની બેઠક પર બેસી ગયા હતા. ઈવીએમ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે
સાચું જ કહ્યું છે કે, ચૂંટણી પરાજય પછી જ ઈવીએમની ફરિયાદ કેમ કરવામાં આવે છે? આ સવાલ
ફક્ત અરજદારોના મકસદને બેનકાબ કરનારો નથી, પણ એ નેતાઓના દુપ્રચારનો પર્દાફાશ કરનારો
છે, જે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ હાર માટે ઈવીએમને શંકાસ્પદ ગણાવી રહ્યા છે, પણ ઝારખંડનાં
પરિણામોમાં તેમને કશું જ અજુગતું જણાતું નથી. કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો માટે પરાજય
પર રડવા માટે ઇવીએમનું બહાનું હાથવગું છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્રિયંકા ગાંધી વાયનાડ
બેઠક પર આ જ ઇવીએમ મતદાનથી જીત્યાં, ઝારખંડમાં સોરેનનાં નેતૃત્વમાં `ઇન્ડિ' ગઠબંધનનો વિજય થયો છે એ વિશે કેમ
કોઇ હરફ ઉચ્ચારતું નથી ? હકીકત એ છે કે, કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ) સહિતના પક્ષો
મહારાષ્ટ્રમાં નાલેશીભર્યો પરાજય પચાવી શક્યા નથી. સુપ્રીમ કોર્ટે ઈવીએમના સંદર્ભમાં
જે કંઈ કહ્યું છે તે ઉચિત છે. આમ છતાં વિરોધીઓ કેટલીવાર સુપ્રીમ કોર્ટમાં ફરી ફરી આ
એક જ મુદ્દે ધા નાખશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને સ્પષ્ટ કહ્યું છે કે, યુરોપના દેશોમાં
શું થાય એ અહીં જણાવવાની જરૂર નથી. ભારતમાં ચૂંટણી યોજવી એ મોટું કામ છે અને આખાં જર્મની
કરતાં એકલાં પશ્ચિમ બંગાળની વસ્તી વધુ છે. ઈવીએમ પર શંકા કરો નહીં એમ પણ કોર્ટે કહ્યું
છે. કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા હતી, ત્યારે ઈવીએમનો ઉપયોગ શરૂ થયો હતો. દેશના કરોડો
મતદારોને લક્ષમાં લેતાં ઈવીએમ લાવવામાં આવ્યાં હતાં. 1992માં તેનો સર્વપ્રથમ ઉપયોગ
કરવામાં આવ્યો હતો. 1960ના દાયકામાં ચૂંટણીમાં ઘાલમેલની ઘટના સૌપ્રથમ બિહારમાં સામે
આવી હતી. આ પછી દેશમાં સર્વત્ર આ પ્રકારની ઘટનાઓને પગલે ઈવીએમની આવશ્યકતા જણાઈ હતી,
જે ચૂંટણીપંચે પૂર્ણ કરી. વિશ્વભરમાં ભારતનાં ચૂંટણીપંચનાં ભારોભાર વખાણ થઈ રહ્યાં
છે, ત્યારે ભારતમાં કેટલાક લોકો ચૂંટણીપંચ પર અને ઈવીએમનાં પરિણામ સામે સવાલ કરી રહ્યા
છે. આવી અરજી કરનારાઓ સામે સુપ્રીમ કોર્ટે ખૂબ આકરાં પગલાં લેવાની જરૂર છે. કેમ કે,
આવી અરજીઓ રાજકીય હેતુથી પ્રેરિત હોવાની સાથે
અદાલતના સમયનો પણ વેડફાટ કરે છે.