• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ધ્યાન માગતું ઉદ્યોગ જગત

દેશનાં અર્થતંત્ર માટે ચાવીરૂપ ઉદ્યોગ ક્ષેત્રનો દેખાવ સતત ચિંતાજનક બનતો જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનના આંક (આઈઆઈપી)માં દર મહિને ઘટાડો નોંધાતાં વિકાસનાં લક્ષ્યમાં મોટો અંતરાય આવે એવાં અમંગળ એંધાણ મળી રહ્યાં છે. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ અને જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનના ઘટતા આંકડા સામે આવ્યા છે. મે મહિનામાં આઈઆઈપી છેલ્લા નવ મહિનાનાં નીચલા સ્તરે 1.2 ટકાએ પહોંચી ગયો છે. ખાસ તો બાંધકામ, ખનિજ અને વીજ ઉત્પાદન ક્ષેત્રોમાં દેખાવ ભારે નબળો રહ્યો છે.  આમ તો રિઝર્વ બેન્કે મોંઘવારી નિયંત્રણમાં રહેવાને લીધે ઉદ્યોગ જગતને મદદરૂપ થવા સતત ત્રણ વખતથી બેન્કના નીતિવિષ્યક  દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ આ દરમાં ઘટાડો કર્યો તેની પાછળનો ઈરાદો સ્પષ્ટ છે કે, રેપોદર ઓછો કરવાથી ઉદ્યોઁગ જગતને ઓછા વ્યાજમાં ધીરાણ મળી શકે, પણ આઈઆઈપીના આંકડા બતાવે છે કે, વ્યાજના દર ઘટયા હોવા છતાં ઉદ્યોગોમાં ઉત્પાદનમાં સુસ્તી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈપીના આધારે મપાતા ઔદ્યોગિક ઉત્પાદનની ટકાવારી ગયાં વર્ષે એપ્રિલ મહિનામાં 6.3 ટકા હતી, પણ આ વર્ષે એપ્રિલમાં તે ઘટીને 2.7 ટકાએ પહોંચી ગઈ છે. સ્પષ્ટ છે કે, 202પ-26ના નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિના દરમ્યાન આઈઆઈપીનો નબળો દેખાવ આવનારા ખરાબ સમયના સંકેત આપી જાય તેવો છે. વિકાસદર અને રોજગારીના મામલામાં ચાવીરૂપ રહેતા ઉદ્યોગ ક્ષેત્રના નબળા દેખાવે સ્વાભાવિક રીતે ચિંતા જગાવી છે. આગામી સમયમાં આર્થિક સુધારાના નવા તબક્કાની વાત હોય કે  વિશ્વના દેશો સાથે ભારે મહત્ત્વના વેપાર કરારની તૈયારી હોઇ સરકારે ભારે સાવધાની સાથે આગળ વધવાની જરૂરત રહેશે. વાસ્તવિક્તા એ છે કે, પીએલઆઈ જેવી યોજનાઓ અને મેક ઈન ઈન્ડિયા જેવા પ્રોત્સાહનોથી  ઉદ્યોગ ક્ષેત્રે જોઈએ એવો વેગ આવી શક્યો નથી. આવા કપરા સંજોગોમાં ભારતના ઉદ્યોગ જગત માટે કરવેરામાં સુધારાની સાથોસાથ નવાં રોકાણ માટે વધુ પ્રોત્સહન આપવની તાતી જરૂરત છે. તાજેતરના સમયમાં સરકારે અંદાજપત્રીય ફાળવણીમાં ઉદ્યોગ ક્ષેત્ર તરફ ઓછું ધ્યાન આપવાનું શરૂ કર્યું હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. ખરેખર તો મોટા ઉદ્યોગોની સાથોસાથ લઘુ અને મધ્યમ એકમોને વિકાસ માટે ખાસ પ્રોત્સાહિત કરવા પર ધ્યાન આપવાની અનિવાર્યતા આઈઆઈપીના આંકડાએ છતી કરી છે. 

Panchang

dd