• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

સાંસદનું અશોભનીય વર્તન

વકફ બિલ સુધારા અંગે સંસદીય સમિતિની બેઠકમાં ભારે અશોભનીય ધાંધલ-ધમાલ મચી, જેનાથી સંસદની પ્રતિષ્ઠા ઝંખવાઈ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણજી બેનરજીએ ચાલુ બેઠકમાં ઉશ્કેરાઈને કાચની બાટલી તોડી હતી અને પેનલના ચેરમેન અને ભાજપના નેતા સામે છૂટો ઘા કર્યો હતો. જો કે, તેમ કરવા જતાં તેમના જ હાથમાં ઈજા થઈ હતી. તેમની આવી વર્તણૂક બદલ તેમને એક બેઠક માટે સસ્પેન્ડ કરાયા હતા, પણ તેમનું એક દિવસનું `સસ્પેન્શન' પૂરતું ગણાય? જો ફેંકેલી કાચની બોટલ કોઈને વાગી હોત તો શું થયું હોત? જો તેમને કોઈ કારણસર ભાજપના સાંસદ અભિજિત ગંગોપાધ્યાય સામે નારાજગી હોય તો સમિતિના અધ્યક્ષને નિશાન પર શા માટે લીધા? આને લઈ તેઓ કોઈ પણ સહાનુભૂતિને પાત્ર ન હોઈ શકે. કલ્યાણ બેનરજી પોતાનાં આક્રમક વલણને લઈ કુખ્યાત છે, પરંતુ આવાં આચરણની અપેક્ષા નહોતી. બેઠકમાંથી બહાર નીકળતા એમણે `સેક્યુલર વિરોધી'ઓ સામે લડત જારી રાખવાનું કહ્યું છે. તેઓ વિરોધ કરી શકે છે, પણ હિંસક વિરોધ ચલાવી લેવાય નહીં. વકફની સંપત્તિના વિવાદનું નિરાકરણ લોકશાહી રીતે થાય તે રીતે કરવા માટે સંસદીય સમિતિને જવાબદારી સોંપાઈ છે, ત્યારે એક જવાબદાર સભ્ય સેક્યુલરવાદનો મુદ્દો ઉઠાવે અને હિંસકવૃત્તિનું પ્રદર્શન કરે તે યોગ્ય નથી. અમર્યાદિત આચરણને લઈ અગાઉ પણ તેઓ રાજ્યસભાથી પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, ગૃહમાં સભાપતિની મિમિક્રી કરી તેમની હાંસી ઉડાવી રહ્યા હતા. આ ચિંતાનો વિષય હોવો જોઈએ. કારણ કે આવા બનાવોનું પુનરાવર્તન થાય તો સંસદમાં કે સમિતિમાં ભાગ્યે જ ગંભીર ચર્ચા થઈ શકે એવો સવાલ થાય છે. કોઈ પણ સાંસદે પોતાનું કહેવું સમિતિ કે સંસદમાં તર્કસંગત રીતે રજૂ કરવું જોઈએ. જો તે હિંસક બની જાય તો તેનો અર્થ એ કે તે તાર્કિક રીતે રજૂઆત કરવામાં સક્ષમ નથી અથવા તો વિપરીત વિચાર સાંભળવા તૈયાર નથી. સંસદના ચોમાસું સત્ર દરમિયાન હાલ વકફ કાયદાઓ અને બોર્ડનાં સંચાલનમાં મોટાં પરિવર્તનથી સંકળાયેલું સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના ભારે વાંધાને લઈ આના પર વિચાર કરવા સંસદીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, પણ વિપક્ષના સાંસદ જ જો તેમાં અશોભનીય વર્તન કરે તો તમામ વિપક્ષોએ પણ તે વખોડી કાઢવું જોઈએ. સમિતિનો રિપોર્ટ જલ્દી તૈયાર થાય અને પસાર થાય તે જોવા લોકો ઉત્સુક છે તેની પણ વિપક્ષોએ નોંધ લેવી જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang