• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

લખપત તાલુકામાં પાણીચોરીનો પર્દાફાશ

ભુજ, તા. 24 : કચ્છના છેવાડાના તાલુકા લખપતમાં પાણી ન પહોંચતું હોવાની બૂમ લાંબા સમયથી છે. આ અંગે લોકપ્રતિનિધિઓએ ધરણા સહિતના આંદોલન છેડયા હતા અને લખપત તાલુકાને મળતું પાણી અંતે ક્યાં જાય છે તેવા સવાલો પણ કર્યા હતા. જેમાં અંતે તપાસ દરમ્યાન પાણીચોરી થતી હોવાનો પર્દાફાશ થતા રિસોર્ટ, પેટ્રોલ પંપ અને શાળા વિરુદ્ધ પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પાણીચોરી અંગે આજે દયાપર પોલીસ મથકે હિંમતસિંહ ભૂપતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 11/10 તથા તા. 12/10થી અને તા. 17/10થી અગાઉ અલગ-અલગ સમયે પાણીચોરી થઈ હતી. જેમાં નાની વિરાણી ખાતે આવેલા આશા હેરિટેઝ રિસોર્ટ ઝુમારા હેડવર્કસથી ઘડુલી હેડવર્કસ સુધીની પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે 90 એમ.એમ.ની સાઈઝનું સીધું જોડાણ લઈ રૂા. 3,91,970ના પાણીની ચોરી કરી છે. આ ઉપરાંત દોલતપર ફાટક પાસે આવેલા આસોપાલવ પેટ્રોલ પમ્પે ખીરસરા હેડવર્કસથી દોલતપર હેડવર્કસ સુધીની પાઈપલાઈનમાં આમ જ ગેરકાયદેસર રીતે 12.05 એમ.એમ. સાઈઝનું સીધું જોડાણ લઈ રૂા. 20,710ના પાણીની ચોરી કરી હોવાનું તેમજ દયાપરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જવાબદાર સંચાલકે ઝુમારા હેડવર્કસથી ઘડુલી હેડવર્કસ સુધીની પીવાના પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર રીતે 50 એમ.એમ. સાઈઝનું સીધું જોડાણ લઈને રૂા. 4,32,449ની પાણીચોરી કરતા આમ કુલ્લ રૂા. 8,45,129ની પાણીચોરી કરી પાણી પુરવઠા બોર્ડની મુખ્ય પાઈપલાઈન જાહેર મિલકતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang