• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભારાપર-કંડલા વચ્ચે ટ્રકમાંથી 1.03 લાખની ખાંડની ચોરી

ગાંધીધામ, તા. 24 : તાલુકાના ભારાપરનાં એકમમાંથી ખાંડ ભરેલી ટ્રકમાંથી ચાલકે રૂા. 1,03,500ની  ખાંડની બોરીની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ અંગે પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા  મુકેશભાઈ બાબુભાઈ ડાંગરે પોતાની ટ્રક નં જીજે. 31.ટી. 4145ના ચાલક જિતેન્દ્રકુમાર બહાદૂર રાય વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.ગત તા. 18/10ના 20.15 વાગ્યાથી તા. 19/10ના 7.30 વાગ્યાના  અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી ટ્રકચાલક રેણુકા સુગરમાંથી ખાંડની 50 કિલોની 500 બોરી લઈને કંડલા બર્થ નં. બેમાં ખાલી કરવા  નીકળ્યો હતો. તે દરમ્યાન આરોપીનો ફોન બંધ આવ્યો  હતો અને ગાડી નિયત સ્થળે પહોંચી ન હતી. શોધખોળ બાદ કંડલામાં  શ્રીજી ગોડાઉન તથા ગોકુળ ગોડાઉન વચ્ચે રોડ સાઈડ ઉપરથી મળી આવી હતી. વાહનમાં મોકલાયેલા માલની ચકાસણી કરતાં ટ્રકમાંથી  50 કિલોની 45 બોરીની ચોરી થઈ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ  હાથ ધરી છે.     

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang