• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

જિલ્લા પંચાયત ખાતે ઈ-રિક્ષા, ટ્રેક્ટર-ટેન્કર અને રોડ સ્વીપરનું લોકાર્પણ કરાયું

ભુજ, તા.  24  : અહીંની જિલ્લા પંચાયત ખાતે 15મા નાણાપંચ અને વિવેકાધીનની ગ્રાન્ટમાંથી બે ઈ-રિક્ષા, બે રોડ સ્વીપર (ક્લીનિંગ મશીન) અને બે પાણીનાં ટેન્કર સાથેના ટ્રેકટરનું લોકાપર્ણ પ્રમુખના હસ્તે કરાયું હતું. વર્ષ 2021-22ની 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ગામમાંથી ઘેરઘેર કચરો એકઠો કરવા રૂા. ચાર લાખની કિંમતની ખરીદાયેલી બે ઈ-રિક્ષા પૈકી એક  ભુજ તાલુકાના સુખપર અને બીજી અંજાર તાલુકાના મેઘપર (બો.)ને ફાળવવામાં આવી હતી, તો રસ્તાઓ પરથી ધૂળ સાફ કરવા રૂા. ચાર લાખની કિંમતના મંજૂર કરાયેલા બે રોડ કલીનર પૈકી એક અંજાર તાલુકાના સાપેડા તથા બીજું ભચાઉ તાલુકાના રતનપર ખાતે અપાયું હતું જ્યારે  પાણીનાં ટેન્કર સહિત રૂા. 7.80 લાખનું એક એવા બે ટ્રેકટરમાંથી એક ભુજ તાલુકાના સરાડા અને બીજું લુણા ગામને ફાળવાયું હતું. આ તમામ સાધનોના લોકાર્પણે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લીલીઝંડી બતાવી સાધનોનું પ્રસ્થાન કરાવાયું હતું. જો કે, આ સાધનો પૈકી ઘન કચરો ઉપાડવા ભુજ તાલુકાના સુખપર ગામને ફાળવાયેલી ઈ-રિક્ષા બાબતે ઉપપ્રમુખે નારાજગી વ્યક્ત કરી તેમનાં ગામમાં આ રિક્ષા બિનઉપયોગી હોઈ તેનો ખર્ચ એળે જવાની ભીતિ વ્યક્ત કરી હતી, પરંતુ અંતે આ સાધન સ્વીકરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે, આ નારાજગી બાબતે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવા છતાં અનેક વખત નો-રિપ્લાય આવ્યો હતો. આ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, પૂર્વ ચેરમેન કેશવજી રોશિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang