• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

દહેજ ઉત્પીડન કેસોમાં નિર્દોષોની રક્ષા કરો

નવી દિલ્હી, તા.ર4 : સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના કેસોમાં સાવચેતી રાખવા અને નિર્દોષોની રક્ષા કરવા તમામ કોર્ટોને નિર્દેશ આપ્યો છે. દહેજ ઉત્પીડનના એક કેસમાં સુપ્રીમે આરોપીને છોડી મૂકતા તમામ કોર્ટોને સલાહ આપી કે તે દહેજ ઉત્પીડન અથવા દહેજ હત્યા અંગેના કેસોમાં સાવધાની દાખવે. ધ્યાન રહે કે કોઈ નિર્દોષ પરેશાન ન થાય. દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ લાગતો રહે છે. આ કાયદાને પતિના પરિવારજનો અને તેના સગાઓ વિરુદ્ધ એક હથિયાર તરીકે ઉપયોગ કરાતો હોવાનું મનાય છે. ગુનો કોઈનો પણ હોય પરંતુ આ કાયદા હેઠળ ફરિયાદ બાદ ઘરના દરેક પુખ્તને આરોપી બનાવી દેવાય છે. દરમિયાન આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને છોડી મુકતાં કાયદાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે દહેજ મૃત્યુના એક કેસમાં આરોપીને છોડી મૂકતાં તમામ કોર્ટોને મહત્વનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપીએ મૃતકાની નણંદ સાથે ઓકટોબર ર010માં લગ્ન કર્યા હતા. દહેજ ઉત્પીડનનો પહેલીવાર આરોપ લાગ્યા બાદ તેણે લગ્ન કર્યા હતા. માત્ર એટલે તેને દોષિત ઠેરવી ન શકાય કારણ કે તેની પત્ની દોષિત ઠરી હતી. સામાન્ય અને વ્યાપક આરોપ કેસનો આધાર ન હોઈ શકે. કોર્ટોએ આવી ફરિયાદોમાં સાવધાની દાખવવી જોઈએ. સુપ્રીમે પોતા પૂર્વ ચુકાદાને ટાંકી કહ્યું કે એ સર્વવિદીત છે કે મોટી સંખ્યામાં ફરિયાદોમાં ઘટનાને વધારી ચઢાવીને રજૂ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં કેસમાં ફસાવી દેવાની પ્રવૃત્તિ પણ જોવા મળે છે. આરોપી એક દોષિતનો સગો છે તો તેનો અર્થ એ નથી કે તે પણ દોષિત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang