• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં મળી શકે રાજયનો દરજ્જો

નવી દિલ્હી, તા.24 : જમ્મુ-કાશ્મીરને વહેલી તકે રાજયનો દરજ્જો મળી શકે છે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર આ અંગે તૈયારીમાં છે અને જલ્દી પ્રક્રિયા શરૂ કરી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બુધવારે સાંજે દિલ્હીમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. કાશ્મીરમાં નવી સરકારની રચના સાથે નેશનલ કોન્ફરન્સે રાજયનો દરજ્જો બહાલ કરવા અંગે પ્રસ્તાવ પસાર કર્યો હતો જેને ઉપરાજ્યપાલે મંજૂરી આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરને જલ્દી રાજયનો દરજ્જો બહાલ કરવામાં આવી શકે છે. ઉમર અને શાહ વચ્ચે  સૌહાર્દપૂર્ણ માહોલમાં બેઠક યોજાઈ હતી. રાજ્યનો દરજ્જો બહાલ કરવા મામલે ગૃહમંત્રી શાહે નવી સરકારને ખાતરી આપી છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બેઠક બાદ કહ્યું કે આ એક શિષ્ટાચાર બેઠક હતી. દરમિયાન તેમણે ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિથી અવગત કરાવ્યા હતા. રાજ્યનો દરજ્જો બહાલ કરવા મામલે પણ ચર્ચા થઈ છે. જમ્મુ-કાશ્મીર ર019થી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીંની પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવે છે. સૂત્રો અનુસાર રાજ્યનો દરજ્જો બહાલ કરવો એ સુધાર પ્રક્રિયાની શરૂઆત હશે જેથી બંધારણિય અધિકાર પુન: બહાલ થશે અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખની રક્ષા થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang