• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

સેનાનાં વાહન પર આતંકી હુમલો : ત્રણ જવાન શહીદ

શ્રીનગર, તા. 24 : કાશ્મીરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) નજીક ગુરુવારે સાંજે ભારતીય સૈન્યનાં વાહન પર નિશાન સાધતાં કરાયેલા આતંકવાદી હુમલામાં ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા, તો અન્ય એક હુમલામાં બે શ્રમિકનાં પણ મોત થઇ ગયાં હતાં. અન્ય ચાર જવાન ઘાયલ થયા હતા. કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકી હુમલા અને લક્ષિત હત્યાઓના બનાવ વધ્યા છે. વાસ્તવિક અંકુશરેખા પાસે બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગના નાગિન ક્ષેત્રમાં 18 રાષ્ટ્રીય રાઇફલ્સનાં વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કરીને હિચકારો હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ ઓપરેશન હાથ ધર્યું છે. કાશ્મીર ખીણમાં છેલ્લા ચાર દિવસમાં આજે ત્રીજા આતંકી હુમલા બાદ સતર્ક બનેલા સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દઇ આતંકવાદીઓને પકડી પાડવા તલાશી અભિયાન છેડયું હતું. કાશ્મીર પોલીસે આતંકવાદી હુમલામાં બે સૈનિકો શહીદ થયા હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. અગાઉ, ગુરુવારથી જ સવારે કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને હુમલો કરતાં સેના માટે કામ કરતા બે પોટર (મજૂર)નાં મોત થયાં હતાં.  સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીના એક જૂથે ઉત્તર કાશ્મીરના બોટા પથરી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખામાંથી ઘૂસણખોરી કરીને આ લોહિયાળ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં ગંદરબાલમાં આતંકવાદીઓએ સુરંગ બનાવવાની કામગીરી કરતાં મજૂરોના રહેવાનાં સ્થળ?પર હુમલો કરતાં તેમાં છ મજૂર, એક તબીબ સહિત સાત જણનાં મોત થયાં હતાં. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલા અંગે દુ:ખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, શ્રેણીબદ્ધ હુમલા ચિંતાનો વિષય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang