• શનિવાર, 18 મે, 2024

મંગળવારે મતદાન... આ દેશનું મંગળ નરેન્દ્ર મોદી જ કરી શકે

ભુજ, તા. 4 : મંગળવારે જ્યારે મતદાન છે, ત્યારે બધાનું મંગળ થાય... દેશનું કોઇ મંગળ કરી શકે, તો તે નરેન્દ્ર મોદી છે, તેવું ઉત્સાહપૂર્વક આજે ભુજમાં ભાજપના રોડ-શોમાં અમરાવતી (મહારાષ્ટ્ર)ના સાંસદ નવનીતકૌર રાણાએ જણાવી કોંગ્રેસને આડેહાથ લઇ લીધી હતી. ચૂંટણી પ્રચારના બ્યૂગલને શાંત થવાના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આજે કચ્છ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાના ચૂંટણી પ્રચારાર્થે ભુજમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શોની પૂર્ણાહુતિએ હમીરસર કિનારે હિન્દીમાં ભાષણ આપતાં નવનીત રાણાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી મોદીને શહેનશાહ કહે છે... અરે, તો એક ચા બનાવવાળા હતા. સંવિધાને તેમને પ્રધાનમંત્રી બનાવ્યા છે... અને બીજીતરફ તમારી સરકાર હતી, જ્યારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી પદથી નીચે ઉતર્યાં ત્યારે સંવિધાનના પાના બદલવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું હતું. નવનીતકૌરે જુસ્સાભેર જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનીઓના ખૂનમાં જ્યાં સુધી ભગવો છે, ત્યાં સુધી નરેન્દ્ર મોદીને હરાવવાવાળું કોઇ પેદા થયું નથી. કોંગ્રેસ કામ કરે છે પરિવારના ભવિષ્ય માટે, સોનિયાના પુત્ર રાહુલ પ્રધાનમંત્રી બની શકે અને તેમના જમાઇ સંપત્તિ વધારી શકે તે માટે... જ્યારે અમારા નરેન્દ્ર મોદી કામ કરે છે દેશની મહિલાઓના માથા પર છત મળે તે માટે... નરેન્દ્ર મોદીના કચ્છ પ્રેમને લઇને નવનીતકૌરે કહ્યું કે, મોદીજીએ કચ્છને સોનાની નગરી બનાવવાનું કામ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદભાઇને વખતે પાંચ લાખથી વધુ લીડ આપીને ચૂંટી આપવાનું તેમણે આહ્વાન કરીને જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને પણ ગર્વ થાય કે, મેં કચ્છ માટે જે કામ કર્યું છે, તે કચ્છવાસીઓ તરફથી આશીર્વાદ મળ્યા છે. અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વિરાટ રોડ-શોની શાનદાર સફળતા ભુજવાસીઓનો અદ્ભુત પ્રેમ છે. ભુજના વ્યાપારીઓ, અગ્રણીઓ સહિત તમામ વર્ગના લોકોએ આજે રોડ-શોમાં ઉપસ્થિત રહીને મારો ઉત્સાહ વધાર્યો છે વાસ્તવમાં ભુજના નાગરિકોએ નરેન્દ્રભાઈ મોદીના નેત્રદીપક નેતૃત્વને વધાવ્યું છે, જેની તાદૃશ પ્રતીતિ છે. ભુજના પ્રેમ બદલ હું ખરેખર ગળગળો છું અને પ્રસંગે કૃતનિશ્ચયી અને સંકલ્પબદ્ધ થઈને હું ભુજવાસીઓને વચન આપું છું કે, તમારો પ્રેમ એળે નહીં જવા દઉં. આવનારા માત્ર પાંચ વર્ષ નહીં પણ સમગ્ર શેષ જીવન હું કચ્છના ઘરેણા સમા પાટનગર ભુજની આન, બાન અને શાન માટે મારું જીવન સમર્પિત કરતો રહીશ.આજે સાંજે જ્યુબિલી સર્કલ પાસે વિરામ હોટલથી ભવ્ય રોડ-શોનો પ્રારંભ થયો હતો, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ-શો વાજતે-ગાજતે જ્યુબિલી સર્કલથી હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રિંગરોડ, મહેરઅલી ચોક, વાણિયાવાડ, છઠ્ઠીબારી રિંગરોડ, જિલ્લા પંચાયત થઇ ગાંધીજીની પ્રતિમા હમીરસર કિનારે પૂર્ણ થયો હતો. સમગ્ર રોડ-શોમાં તમામ વર્ણના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રોડ-શોના રૂટમાં ઠેર ઠેર ભુજના રહેવાસીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા ઉમેદવાર તેમજ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. રોડ-શોમાં ઉપસ્થિત કાઉન્સિલર તેમજ કાર્યકર્તા બહેનો દ્વારા રાસગરબા કરી માહોલને વધુ ઉત્સાહિત બનાવાયું હતું. રોડ-શોમાં જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદે ભવ્ય રોડ-શો બદલ ભુજ શહેર ભાજપની ટીમ-કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધીને કહ્યું કે, હવે તમે તમારા બૂથ?ઉપરની ચિંતા કરીને વિનોદભાઇનો ભવ્ય વિજય થાય તે માટે કામે લાગી જવાનું છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે ભાજપના નગરસેવકો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ ખાસ ઉપસ્થિતિ બદલ નવનીત રાણાનો તેમજ રોડ-શોને ભવ્ય બનાવવા બદલ ભુજવાસીઓનો આભાર માન્યો હતો. રોડ-શોમાં ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પ્રફુલ્લાસિંહ જાડેજા સહિત જિલ્લા ભાજપના સૌ હોદ્દેદારો, નગરપતિ રશ્મિબેન સોલંકી, શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મોતા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ ગોદાવરીબેન ઠક્કર, અનુ. જાતિ મોરચાના અશોકભાઈ હાથી, નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપાસિંહ જાડેજા, કમલ ગઢવી, દિવ્યરાજાસિંહ જાડેજા, કશ્યપ ગોર, ધર્મેશ ગોર, સંજયભાઈ ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, રસીલાબેન પંડ્યા સહિતના કાઉન્સિલરો, તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ તમામ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ-શો દરમિયાન ભુજ શહેર ભાજપના મહામંત્રીઓ જયદીપાસિંહ જાડેજા, ભૌમિકભાઈ વચ્છરાજાની તેમજ શહેર સંગઠનની ટીમ અને યુવા ભાજપના પ્રમુખ તાપસ શાહ, હિતેશ પટેલ, નરેન્દ્રાસિંહ જાડેજા સહિત જિલ્લા અને ભુજ શહેર યુવા મોરચાની ટીમ, વ્યવસ્થામાં રહી રોડ-શોને સફળ બનાવ્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang