• શનિવાર, 18 મે, 2024

`33 વર્ષે કોંગ્રેસ કચ્છની બેઠક જીતી બતાવશે'

- નિખિલ પંડયા : ભુજ, તા. 4 :  લોકસભાની ચૂંટણીમાં સતત 33 વર્ષ સુધી સફળતાથી વંચિત રહેલા કોંગ્રેસ પક્ષે વખતે નવો પ્રયોગ કરીને સાવ જુનિયર ચહેરા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. માત્ર 12 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવતા પૂર્વ કચ્છ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત નીતેશ લાલણે વખતે પક્ષની જીત માટે કમર કસી છે. ઉમેદાવર તરીકે નામ જાહેર થયા બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નારાજગીના જાગેલા પરિબળથી બળમાં આવી ગયેલા કોંગ્રેસી નેતાઓ જેવો વિશ્વાસ કચ્છની બેઠકના યુવાન ઉમેદવારના ચહેરા ઉપર સ્પષ્ટ રીતે વાંચી શકાય તેમ છે.  50 હજારથી વધુ મતની સરસાઇ સાથે વિજયી બનવાનું પોતાનું લક્ષ્ય હવે સરળ હોવાનો દાવો પણ તેમને કર્યો છે. પોતાનાં જીવનની સૌપ્રથમ ચૂંટણી લડતા શ્રી લાલણ માટે સીધી લોકસભા જેવી ચૂંટણી એક અઘરી પરીક્ષા સમાન બની રહી હોવા છતાં તેમણે છેલ્લા દોઢ મહિનાથી વ્યવસ્થિત રીતે સમગ્ર મતવિસ્તારના પ્રવાસ અને લોકસંપર્કના દોરના અંતિમ તબક્કામાં તેમના વિશ્વાસ અને વિચારો વધુ સ્પષ્ટ બન્યા હોવાનું કચ્છમિત્ર સાથેની તેમની વાતચીતમાં જણાઇ આવે છે.  -  આટલા ટૂંકા રાજકીય અનુભવ છતાં કોંગ્રેસે તમને ઉમેદવાર તરીકે શા માટે પસંદ કર્યા ? : મેં કોંગ્રેસમાં છેક પાયાના સ્તરેથી કામગીરી કરી છે. એક કાર્યકર તરીકે બૂથમાં પાલિંગ એજન્ટ તરીકેની જવાબદારી સંભાળીને હું પક્ષની પૂર્વ કચ્છની યુવા પાંખના વડાના હોદ્દા સુધી પહોંચી ચૂક્યો છું. આમ તો વિધાનસભાની ચૂંટણી સમયે ગાંધીધામની બેઠક પર ટિકિટની માંગ કરી હતી, પણ હવે પક્ષે વફાદારી અને અનુસૂચિત જાતિમાં મારા સંબંધોને ધ્યાને લઇને લોકસભાના ઉમેદવારની જવાબદારી સોંપી છે.  - પાયાના સ્તરની કામગીરીના અનુભવને કામે લગાડીને તમે વખતે ચૂંટણીમાં કોઇ અલગ પ્રકારની વ્યૂહરચના અમલી બનાવી રહ્યા છો ? : આમ તો ચૂંટણી મુદ્દા અને પ્રશ્નોના આધારે લડાતી હોય છે, પણ પાલિંગ એજન્ટ તરીકેના અનુભવે હું શીખ્યો છું, ભારે પ્રચાર અને લોકસંપર્કની મહેનત બાદ મતદાનના દિવસે આખરે પાલિંગ એજન્ટની ભૂમિકા ભારે નિર્ણાયક બની રહેતી હોય છે. વખતે બોધને ધ્યાને  લઇને મતદાનના દિવસે પક્ષના બૂથ મેનેજમેન્ટને છેલ્લા કલાક સુધી અસરકારક રાખવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.    - ચૂંટણીને ધ્યાનમાં લઇને તમે મુદ્દાની કઇ રીતે પસંદગી કરીને તેના પર મનન કર્યું છે ? : કચ્છના, રાજ્યના અને દેશના મુદ્દાથી માહિતગાર થવામાં  કચ્છમિત્રે મને સતત મદદ કરી છે. એક યુવાન વાચક તરીકે મેં કચ્છમિત્રની આવૃત્તિનું લવાજમ ભરેલું છે. વાંચીને મળતા મુદ્દા અને પ્રશ્નો મેં જિલ્લા યુવા કોંગી પ્રમુખ તરીકે ઉઠાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણીમાં ઉઠાવી રહ્યો છું. -  વખતે કયા કયા મુદ્દા અને પ્રશ્નો પર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે ? : કોંગ્રેસ પક્ષે કચ્છમાં વિવિધ સ્તરના મુદ્દા પ્રચારમાં આવરી લીધા છે. આમાં સ્થાનિક અને પ્રાદેશિક કે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દા ઉપરાંત વિવિધ વર્ગો જેમ કે,  મહિલાઓ, યુવાનો અને વેપારીઓ અને ખેડૂતોને આવરી લેતા પ્રશ્નો ઉઠાવાઇ રહ્યા છે.  મેં માટે વિસ્તાર અને વર્ગને અનુરૂપ બાબતો પ્રચાર અને સંપર્ક ઝુંબેશમાં આવરી લીધી છે.  -  વિવિધ વર્ગોને સ્પર્શતા અલગ અલગ મુદ્દાની વિગતે વાત કરશો ?  : રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કેન્દ્ર સરકારની લોકવિરોધી અને વિભાજક નીતિઓની વાત કરી  રહ્યા છીએ. સાથોસાથ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લોકોમાં ઊભા કરાયેલા ભયના માહોલનો મુદ્દો ખાસ ઉઠાવીએ છીએ. ખાસ તો કચ્છમાં શહેરી વહીવટ સંભાળતી નગરપાલિકાઓનું તંત્ર ખાડે ગયું હોવાની વાત લોકોના ગળે ઉતારવાની મહેનત કરીએ છીએ.  ભુજમાં નર્મદાનાં પાણી મળતાં લોકોને નડેલી અપાર મુશ્કેલી, ગટર અને સફાઇ જેવા પ્રશ્નોના આધારે નગરપાલિકાઓની  નિષ્ફળતા સમજાવીએ છીએ. - ગામડા માટે તમારા મુદ્દા શું છે ? : ગ્રામીણ વિસ્તારોમાં  કૃષિ વીજજોડાણોમાં દિવસના સમયે વીજ પુરવઠો મળતો હોવાથી  અને પોતાની ઉપજના પૂરતા ટેકાના ભાવ મળતા હોવાથી ખેડૂતોની સમસ્યા વધી હોવાની વાત સમજાવીએ છીએ. મહિલાઓને  રાંધણગેસના ભાવવધારાના બોજા અને  મોંઘવારીની સમસ્યાનો ચિતાર આપીને  સરકારની વિફળતા ગળે  ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ. - ઉપરાંત અન્ય ચાવીરૂપ મુદ્દા ? :  કચ્છના શિક્ષણ તંત્રમાં અને અરોગ્ય તંત્રમાં શિક્ષકો અને તબીબોની  ઘટ.  શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોની જર્જરિત હાલતનો મુદ્દો લોકો સમક્ષ લઇ જઇએ  છીએ.  વેપારીઓ પર જીએસટીના બોજા  અને  કોંગ્રેસ દ્વારા  પ્રસ્તાવિત હળવા  જીએસટી દરોની  વાસ્તવિક્તા  સમજાવવાનો અમારો પ્રયાસ રહે છે.  - યુવાનોને આકર્ષવા માટે શું પ્લાન છે ? : ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારીની તકો, સ્ટાર્ટઅપ  માટે પ્રોત્સાહન અને મેડિકલ કોલેજમાં  કચ્છના વિદ્યાર્થીઓ માટે અનામતની જરૂરત હોવાની બાબત અમે  ઉપાડી રહ્યા  છીએ. કચ્છના તમામ તાલુકામાં સરકારી કોલેજો અને પૂરતા પ્રમાણમાં માધ્યમિક શાળાઓની અમારી હિમાયત  રહી  છે. દરેક તાલુકામાં યુવાનોને ઉપયોગી થાય તેવા ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો, ટેટ અને ટાટ પાસની ભરતી જેવા મુદ્દા પણ  પ્રવાસ અને સંપર્ક દરમ્યાન ચર્ચતા રહ્યા છીએ. કોંગ્રેસની સરકાર આવશે તો બધી અધૂરાશ પૂરી કરવા પ્રયત્ન કરશું. - રાષ્ટ્રીય સ્તરે કચ્છ માટે બીજો ક્યો મહત્ત્વનો મુદ્દો છે ? : સરહદી જિલ્લો હોવાને કારણે કચ્છનું મહત્ત્વ વિશેષ છે, તેમાં પણ તાજેતરના સમયમાં કેફી દ્રવ્યો પકડાવાનો જે સિલસિલો ચાલુ થયો છે તે સરહદના મહત્ત્વને દર્શાવે છે. ખરેખર તો દરિયાઇ અને રણ સરહદે સલામતીને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપવાની જરૂરત?છે. - તમારા પ્રવાસ  દરમ્યાન તમને કયા નવા મુદ્દા જાણવા  મળ્યા ? :  કચ્છમાં વિમાન અને રેલવેની કનેક્ટિવિટીની સમસ્યા છે.  વિકાસની સાથે ઇન્ટરનેશનલ હવાઇ  સુવિધા મુંબઇ અને દિલ્હી સાથે  ઝડપી ટ્રેન સેવા ઉપરાંત  અંતરિયાળ ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટીની મુશ્કેલીનું નિરાકરણ થવું જોઇએ.  - તમામ પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે તમારી  રણનીતિ ? : કચ્છના તમામ પ્રશ્નો મુશ્કેલ છે,  પણ ચૂંટાયા પછી તેના ઉકેલ માટે  થાક્યા વગર  સતત મથતા રહેવાનો મારો મક્કમ ઇરાદો છે.   - ભાજપ કચ્છના  વિકાસની વાત કરે છે, તમારું શું માનવું  છે ? :  વિકાસ તો થયો છે, પણ તેના  પાયામાં તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકારે કચ્છના ટેક્સ હોલીડેની સમયમર્યાદા વધારી આપવાનો લીધેલો નિર્ણય ચાવીરૂપ  રહ્યો છે. વળી અગાઉની કોંગ્રેસી સરકારોની ઉદારીકરણની નીતિઓનો લાભ   હવે કચ્છને મળી રહ્યો છે. - ચૂંટણીમાં સફળતાની તમારી  કેવી  ગણતરી છે અને તે માનવાનાં મુખ્ય કારણો શું ગણી શકાય ?  : આમ તો ચૂંટણી  પ્રક્રિયાના  આરંભે 50 હજાર જેટલી મતની સરસાઇથી  વિજયી બનવાનું મારું  લક્ષ્ય હતું, પણ હવે ક્ષત્રિય સમાજની  નારાજગીને લીધે સરસાઇ વધી  શકશે.  ભાજપના ગઢ  સમાન  વિસ્તારોમાં પાલિંગ એજન્ટ પૂરા પાડવા પણ સમાજે અમને ખાતરી આપી છે.  સાથોસાથ અનુસૂચિત જાતિના ધર્મગુરુ  પરિવારનો  હોવાને લીધે  મને વખતે સમગ્ર  સમાજનું સમર્થન મળી રહેશે. અનુસૂચિત  જાતિ અને ક્ષત્રિય સમાજના   મતોનો  સરવાળો   સરસાઇ  વધારશે. વળી લોકો ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે એટલે વિજય નિશ્ચિત જણાઇ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang