• શનિવાર, 18 મે, 2024

રાહુલને શહજાદા કહેનારા બંગલામાં બેઠા છે

અમદાવાદ, તા. 4  : ગુજરાતમાં સાત મેના ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એવામાં પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીને શહજાદા કહેવાના જવાબમાં પીએમ મોદીને `શહેનશાહ' કહીને પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, તેઓ મારા ભાઈને શહજાદા કહે છે, પરંતુ ખુદ મોદી શહેનશાહ બનીને મહેલોમાં બેઠા છે. તમે રાહુલને શહજાદા કહો છો, પરંતુ આ જ શહજાદા દેશની બહેનો, કિસાનો અને મજદૂરોની સમસ્યા જાણવા ચાર હજાર કિ.મી. પદયાત્રા કરી ચૂક્યો છે. મોદીને જૂઓ, તેમના ચહેરાને જુઓ.. બિલકુલ સાફ તેઓ તમારી સમસ્યા કેમ સમજશે પ્રિયંકા ગાંધીએ લાખણી ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે ચૂંટણી સભાને સંબોધી હતી અને આ સભામાં સંબોધનની શરૂઆત મા અંબાના જય જયકારથી કરી હતી. આ સાથે જ તેમનું સ્વાગત પણ મા અંબાનું એક ચિત્ર આપી કરવામાં આવ્યું હતું. ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તાસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. જનસભાને સંબોધતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અગ્નિવીર યોજનાના કારણે હવે યુવાનો સેનામાં જતા નથી. જો અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેન્ટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સાથે જ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપે 10 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપે. ભાજપે કહ્યું છે કે, જો સત્તામાં ફરીથી આવી ગયા તો બંધારણ બદલી નાખીશું. તેમણે કહ્યું કે, બંધારણ પ્રજાને અધિકાર આપે છે. રાજ્યમાં સૌથી ગરમાયેલ મુદ્દો કે જે  ક્ષત્રિય આંદોલનનો છે તેના પર પણ ટિપ્પણી કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ક્ષત્રિય મહિલાઓ પર અત્યાચાર થયો છે. અહીં રાજપૂત સમાજની મહિલાઓનું કેવું અપમાન થયું છે, પણ મોદીજીએ શું તેને હટાવ્યા? તમારી માંગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેને ન હટાવ્યા. હું વચન આપું છું કે, જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang