• શનિવાર, 18 મે, 2024

અંજાર, ગાંધીધામ અને નાના ભાડિયામાં બે યુવતી અને યુવકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી

ગાંધીધામ, તા. 4 : અંજારમાં અગમ્ય કારણોસર 17 વર્ષીય  નિમિષાબેન વીરેન્દ્રસિંહ પુરોહિતે ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. ગાંધીધામમાં કેતનભાઈ રેવાભાઈ મકવાણા (.. 24) પણ ગળેફાંસો ખાઈ જિંદગી ઉપર પૂર્ણવિરામ મુક્યું હતું. અંજાર તાલુકાના જરુ રેલવેફાટક  પાસે ટેન તળે આવી જવાથી અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું. માંડવી તાલુકાના નાના ભાડિયામાં પૂજા મુકેશ મહેશ્વરી (.. 27)  ગળેફાંસો ખાઈ  મોતને વહાલું કર્યું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જન્મોત્રી સોસાયટીમાં મકાન નં. 145માં રહેતા નિમિષાબેને પોતાના ઘરે    ગઈકાલે 12.30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ગળેફાંસો ખાધો હતો, તેમને  આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરના ડો. ધારા શુક્લાએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે  બનાવ પાછળનું કારણ શોધવા  વધુ તપાસ આરંભી છે. અપમૃત્યુનો વધુ એક બનાવ   ગાંધીધામમાં સેક્ટર-1 વિસ્તારમાં આવેલી ગોસ્વામી હોસ્પિટલ પાછળ, ટાટા પાવર સ્ટાર્ડર બિલ્ડિંગમાં ગઈકાલે નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. બિલ્ડિંગની છતના ભાગે બનેલા રૂમમાં રહેતા યુવાને  રસ્સા વડે ગળેફાંસો ખાધો હતો. હતભાગીએ કયાં કારણોસર આવું અંતિમ પગલું ભરી લીધું હશે, તે જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. અંજાર તાલુકાના જરૂ રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રિના 11 વાગ્યાથી એક વાગ્યા સુધીના અરસામાં ટેન તળે કચડાયેલી હાલતમાં  50 વર્ષીય ઘઉંવર્ણના  અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળેથી પેરાગોન કંપનીની કથ્થાઈ રંગની ચપલ મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકના વારસદારોને શોધવા  સહિતની દિશામાં પી.એસ.આઈ. શ્રી ગોહિલે વધુ તપાસ આરંભી છે. માંડવી તાલુકાના નાના ભાડિયામાં રહેતી 27 વર્ષીય પરિણીતા પૂજા મુકેશ મહેશ્વરીએ ગઇકાલે ફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. અંગે માંડવી સરકારી હોસ્પિટલ અને માંડવી મરીન પોલીસ મથકે મુકેશ મહેશ્વરીએ જાહેર કરેલી વિગતો મુજબ તા. 3/5ના સાંજે ચા-નાસ્તો કરવા દરમ્યાન લાઇટ જતી રહેતાં મુકેશ ઘરની બહાર જતો રહ્યો હતો અને અડધા કલાક પછી ઘરે આવતાં ઘરનો દરવાજો બંધ હોઇ ખખડાવતાં ખૂલેલ નહીં. આથી દરવાજો તોડતાં મુકેશની પત્ની પૂજા પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી. આથી તેને માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. બે વર્ષના લગ્નગાળામાં સંતાનમાં આઠ મહિનાની દીકરીને પૂજાએ પાછળ વલોપાત કરતી મૂકી અનંતની વાટ પકડી છે. માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળના કારણો શોધવા તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang