• શનિવાર, 18 મે, 2024

વેલજીદાદા મતિયાની વાર્ષિક યાત્રા વિવિધ કાર્યક્રમો સાથે ઊજવાઈ

નિરોણા (તા. નખત્રાણા), તા. 4 : આજથી સાત વર્ષ પૂર્વે પોતાના મૃત્યુનો સચોટ આગમ ભાંખી દેવલોક પામેલા વેલજીદાદા મતિયાદેવના અંજાર તાલુકાના ખંભરા સ્થિત સમાધિ સ્થળ પર વાર્ષિક યાત્રા યોજાઈ હતી. દિવસ દરમ્યાન યોજાયેલી યાત્રાની સવારે ખંભરા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરથી લઈ યાત્રાધામ સુધી શોભાયાત્રા નીકળી હતી, જેની આગેવાની સંપ્રદાયના પીર નારાણદેવ લાલણ, પંજહથા પીર માયાદાદા, પૂજારી જગદીશભાઈ મતિયા, અખિલ ભારત માતંગ મંડળના અધ્યક્ષ ધીરજદાદા માતંગ, દામજીભાઈ માતંગ, નારાણભાઈ મતિયા સહિત ધર્મગુરુઓએ સંભાળી હતી.  સમાધિની પૂજા કરવામાં આવી હતી. દર્શન માટે મોટી લાઈન લાગી હતી, યાત્રા પ્રસંગે ધારાસભ્યો ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, લોકસભાના ઉમેદવાર માતંગ નીતેશ લાલણ,  સા.ન્યા. સમિતિ, જિ.પં.ના અધ્યક્ષા કુંવરબેન મહેશ્વરી, તા.પં. ન્યા સમિતિ, અંજારના અધ્યક્ષા રાણીબેન થારૂ, સરહદ ડેરીના વલમજીભાઈ હુંબલ, જિ.પં. સદસ્ય મ્યાજરભાઈ આહીર, નારાણભાઈ બળિયા, મુંદરા તા.પં. વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ, કોંગ્રેસના ઉપપ્રમુખ વી.કે. હુંબલ તેમજ ગુ. પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ગુજરાત પ્રદેશ મહેશ્વરી મહિલા સમાજના અધ્યક્ષા વાલુબેન ધેડા, પુરબાઈ ડોરૂ તેમજ ઉર્મિલાબેન પાતારિયાની નિગરાની હેઠળ સ્વયંસેવિકાએ સેવા આપી હતી.  નાગલપર મહેશ્વરી સમાજે ફિલ્ટર પાણી વગેરેની વ્યવસ્થા કરી હતી. અંજાર નગરપાલિકાના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ ખીમજીભાઈ સિંધવે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી હતી. કચ્છ સ્થિત સંપ્રદાયના વિવિધ યાત્રાધામોના અગ્રણીઓ લક્ષ્મણભાઈ ભરાડિયા, લાલજીભાઈ માતંગ, ડી.એલ. સોધમ, પ્રકાશભાઈ ડગરા ઉપરાંત હીરાભાઈ ધુવા, પ્રહલાદભાઈ ઠોંટિયા, મનોજભાઈ વિસરિયા સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી સિસોદિયાની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અનિલભાઈ ફફલ અને પાયલબેન અબચૂંગની સંગીત મંડળીએ મહાઆરતી રજૂ કરી હતી. પ્રમુખ દેવજીભાઈ સુંઢા, મહામંત્રી નાગશીભાઈ ફફલ, ભચુભાઈ સુંઢા, પ્રેમજીભાઈ પાતારિયા, અશોકભાઈ હાથી વગેરેએ સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang