• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની તંગદિલીથી વિશ્વ યુદ્ધની ભીતિ

આરબ દેશોમાં લોહિયાળ જંગ ઝળૂંબી રહ્યો છે. ઇઝરાયેલે ગાઝા વિસ્તારમાં હમાસના સફાયા માટે કરેલા આક્રમણનો અંત દુનિયાને મળતો નથી, તેવામાં ઇરાને ઇઝરાયેલ પર હવાઇ હુમલા કરીને વિસ્તારને મોટા અને વ્યાપક યુદ્ધના ઉંબરે લાવી મુક્યો છે. ઇરાને રવિવારે વહેલી  સવારે ઇઝરાયેલ પર બેલાસ્ટિક મિસાઇલ સાથેના 120 ડ્રોન વડે હવાઇ હુમલો કરતાં વિસ્તારમાં વધુ ભીષણ યુદ્ધ ફાટી નીકળે એવી ભીતિ દુનિયાને થઇ છે. દામસ્કસમાં ઇરાની એલચીકચેરી પર ઇઝરાયેલે હવાઇ હુમલો કરીને બે ઇરાની જનરલનાં મોત નીપજાવ્યા બાદથી વિસ્તારમાં તંગદિલી દિવસોદિવસ ઘેરી બની રહી હતી. અમેરિકા સહિતના દેશોએ ઇરાન ગમે ત્યારે હુમલો કરશે, એવી ચેતવણી પણ જાહેર કરી હતી. અપેક્ષા મુજબ ઇરાને હુમલો પણ કર્યો. જો કે, મજબૂત હવાઇ સલામતી વ્યવસ્થા ધરાવતા ઇઝરાયેલે ઇરાનના હુમલાને 99 ટકા વિફળ બનવવાનો દાવો કર્યો છે.પણ સ્ફોટક વિસ્તારમાં ચિંગારી ચંપાઇ ચૂકી હોય એવો તાલ સર્જાયો છે. ઇરાને હુમલા બાદ કહ્યંy છે કે, જો ઇઝરાયેલ વળતો હુમલો કરશે, તો તેનો ભીષણ જવાબ અપાશે. સોમવારે ઇઝરાયેલે યોગ્ય સમયે ઇરાનને પાઠ ભણાવવાનો હુંકાર કર્યો છે. જો કે, અમેરિકાએ આવા કોઇપણ જંગના સંજોગોમાં ઇઝરાયેલની સાથે લશ્કરી રીતે પડખે રહેવાનો ઇન્કાર કરી દીધો છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશો બરાબર સમજે છે કે, હમાસ સામેના જંગામાં ઇઝરાયેલની મદદ કરવાની વાત અલગ હતી, પણ ઇરાન સામેના હુમલામાં ઇઝરાયેલને મદદ કરવાથી જંગની આગ વધુ ફેલાઇ શકે છે અને વધુ ગંભીર બની શકે છે. સોમવારે ઇરાની એલચી કચેરી પરના હુમલાના મામલે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદમાં ચીને ઇઝરાયેલની ભારે ટીકા કરીને પોતે ઇરાનની પડખે હોવાનો સ્પષ્ટ સંદેશ દુનિયાને આપ્યો છે. આમ તો રશિયા પણ ઇરાનની પડખે છે. આવામાં ઇરાન સામેના જંગમાં અમેરિકા અને પશ્ચિમી દેશો જો ઇઝરાયેલની સાથે ઊભા રહે, તો યુદ્ધ વધુ ઘેરું બની શકે તેમ છે. આવા સંજોગોમાં ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતા પણ ઊભી થઇ શકે છે. દરમ્યાન, ભારતે ઇરાન અને ઇઝરાયેલમાં વસતા તેના નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની તાકીદ કરી છે. બન્ને દેશનો પ્રવાસ કરવા જવા ઇચ્છનારાને તેમ કરવા ભારતીય વિદેશ મંત્રાલયે સલાહ આપી છે, તો ઇરાન અથવા ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને તેમની નજીકની એલચી કચેરીએ જઇને નોંધણી કરાવી લેવા કહ્યંy છે. મળતી માહિતી મુજબ ઇરાનમાં ચાર હજાર અને ઇઝરાયેલમાં 18 હજાર જેટલા ભારતીય વસવાટ કરે છે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તો તેમને ત્યાંથી સલામત રીતે પરત લાવવા વિદેશ મંત્રાલયે તૈયારી શરૂ કરી દીધી છે. ચીન, રશિયા અને અમેરિકા સહિતના દેશોએ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની સ્ફોટક પરિસ્થિતિને વધુ વણસતી રોકવા અને જંગને ટાળવા માટે રાજદ્વારી સ્તરે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે. સાથોસાથ ઇઝરાયેલ અને ઇરાન બન્નેને સંયમ જાળવવાની જરૂરત પણ વિશ્વ સમુદાયે સમજાવવાની ખાસ જરૂરત છે. બાકી અત્યારે તો આવનારો સમય વિશ્વ શાંતિની સામે પડકારરૂપ બની ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang