ઘરમાં રેડિયો રાખવા માટે પણ લાઈસન્સ મેળવવું પડતું એ સમયની વાત છે. દેશમાં કટોકટી લાદવામાં આવી તેની આસપાસના સમયમાં જો કોઈ રેડિયો ખરીદવામાં આવે તો તે વૈભવની નિશાની ગણાતી. એ સમયમાં એક સ્ટેશન એવું હતું જેને રેડિયોમાં પકડી લેવામાં આવે તો ફિલ્મી ગીતોથી માહોલ પ્રફુલ્લિત થઈ જતો. રેડિયોનું સ્ટેશન પકડવાનું ચકરડું સેટ કરીને જેણે રેડિયો સિલોનનાં સિગ્નલ ઝડપી લેવાની સાધના કરી લીધી હોય તેના જ કબજામાં રેડિયો રહેતો! જે દિવસે તેના કાર્યક્રમની પહેલી લાઈન `નમસ્કાર ભાઈયોં ઔર બહેનોં, મૈં આપકા દોસ્ત અમીન સયાની બોલ રહા હું!' સાંભળવા મળી જાય ત્યારે એવું લાગતું જાણે આપણે અર્જુનની જેમ મત્સ્યવેધ કરી નાખ્યો હોય. આવો જ કંઈક અનુભવ રહેતો રેડિયો સિલોન સ્ટેશનને ફિલિપ્સના રેડિયોમાં પકડી લેવાની ઘટના. બિનાકા ગીતમાલા સાંભળવાનો અનુભવ જેમણે પણ માણ્યો છે તે સમજી શકશે કે, ભારતીય સિનેમાની સફળત્તમ ફિલ્મો `શોલે' કે `િદલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' સિનેમાહોલમાં બેસીને માણવા જેટલો જ રોચક અનુભવ તે રહેતો. ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, ક્રિકેટનાં મેદાનમાં સચિન તેંડુલકરની જે લોકપ્રિયતા છે, તેવી જ લોકપ્રિયતા હતી રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીની. મૂળ કચ્છી ખોજા અમીન જાનમોહમ્મદ સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના મુંબઈમાં થયો હતો. એમને રેડિયો જગતમાં લાવનારા હતા મોટા ભાઈ હમીદ સયાની. તેઓ પણ અવ્વલ દરજ્જાના રેડિયોના અંગ્રેજી એનાઉન્સર હતા. બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો અને 1975માં એમનું અકાળે નિધન થતાં નાના ભાઈ અમીનને એ કાર્યક્રમ સંભાળવાનો આવ્યો હતો. સતત 41 વર્ષ ચાલેલો અસીમ, અકલ્પનીય લોકપ્રિયતા વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ બિનાકા ગીતમાલા 2001માં વિવિધ ભારતી પરથી સિબાકા ગીતમાલા નામે ફરી શરૂ થયેલો. આ ગીતમાલાની લોકપ્રિયતા એટલી હતી કે, તે સમયે ફિલ્મ સંગીતકારનાં મહેનતાણાં પણ ગીતમાલા પર ગીતની લોકપ્રિયતાના આધારે નક્કી થતા. એ અરસામાં અનેક નાનાં-મોટાં શહેરના બગીચામાંના લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ પ્રસારિત કરાતો. 1960ના અરસામાં ગીતમાલાના 20 કરોડથી વધુ શ્રોતા હોવાનું અનુમાન છે. દેશમાં ટીવીના આગમન બાદ અમીન સયાનીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા હતા. એક સમયે રેડિયો લુપ્ત થવાના આરે પહોંચ્યો હતો, જેને એફએમથી નવજીવન તો મળ્યું છે, પણ અમીન સયાનીની વિદાયથી રેડિયો કાયમ માટે મૂંગો થઈ ગયો હોય તેવો સૂનકાર લાગે છે. તેમની લોકપ્રિયતા અને અવાજના જાદુની આજની પેઢી કલ્પનાએ કરી શકે તેમ નથી.