• સોમવાર, 22 જુલાઈ, 2024

મોદીનો આત્મવિશ્વાસ : ભારતનો વિશ્વાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 370થી અધિક અને એનડીએને 400થી વધુ બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યો છે કે, તેઓએ લાંબા સમય સુધી વિપક્ષની ખુરશી પર બેઠા રહેવાનો સંકલ્પ લીધો છે. તેમણે હળવી શૈલીમાં કહ્યું કે, આગામી ચૂંટણીમાં વિપક્ષ પ્રેક્ષક ગેલરીમાં દેખાશે. એક પ્રોડક્ટ (રાહુલ ગાંધી)ને વારંવાર લોન્ચ કરવાના પ્રયાસથી કોંગ્રેસની દુકાન પર તાળું મારવાનો વખત આવ્યો છે એટલું નહીં, એલાયન્સના પ્રયાસ કરવામાં વિપક્ષી ગઠબંધન `ઇન્ડિયા'નું એલાઈનમેન્ટ પણ બગડી ગયું છે! 17મી લોકસભાના અંતિમ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાને આશરે 100 મિનિટના સંબોધનમાં ભ્રષ્ટાચારના મુદ્દા પર અને તપાસ એજન્સીઓ સામે બળાપો કાઢતા વિપક્ષી નેતાઓ પાસેથી એક-એક પાઈ વસૂલવાના સંકલ્પની ઘોષણા કરી, સાથે મહિલાઓ, ગરીબો, યુવાનો અને ખેડૂતો માટે છેલ્લાં 10 વર્ષમાં કરવામાં આવેલાં વિકાસકાર્યોનો હિસાબ પણ આપ્યો છે. વિપક્ષની હાલત માટે કોંગ્રેસના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. કેંગ્રેસ પાસે અસરકારક વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે 10 વર્ષનો સમય હતો, પરંતુ પરિવારવાદના કારણે કોંગ્રેસે તક ગુમાવી દીધી. રાહુલને લોન્ચ કરવાના ચક્કરમાં કોંગ્રેસે વિપક્ષમાં તેજસ્વી નેતાઓને આગળ આવવા દીધા નહીં, વિપક્ષના મોટા ભાગના સાંસદ ચૂંટણી લડવાની હિંમત ખોઈ બેઠા છે. હવે તો તેઓ આગામી ચૂંટણી પછી પ્રેક્ષક ગેલરીમાં દેખાશે. વિરોધ પક્ષની નિષ્ફળતા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં મોદીએ કહ્યું કે, અમે સત્તામાં ત્રીજીવાર આવશું અને તેનાથી દેશની આગળની એક હજાર વર્ષની યાત્રાનો ટોન સેટ થશે. વડાપ્રધાન મોદીએ વિખેરાઈ રહેલા `ઇન્ડિયા' ગઠબંધન પર પણ વ્યંગ કર્યો હતો. થોડા દિવસ પહેલાં ભાનુમતીનો પરિવાર જોડવામાં આવ્યો હતો અને તે બાદ એકલા ચાલો રેનો નારો આવી ગયો છે. નવા નવા મોટર મેકેનિકનું કામ શીખ્યા તેથી એલાયન્સનું એલાઈનમેન્ટ બગડી ગયું હતું. જો તમને પરિવારમાં એકબીજા પર વિશ્વાસ નથી તો દેશમાં કઈ રીતે વિકાસ કરશો? એવો પ્રશ્ન પણ વડાપ્રધાને કર્યો. કાશ્મીર સમસ્યા માટે ભૂતકાળની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા. કાશ્મીર સમસ્યાને વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નીતિઓની દેણ ગણાવી હતી. કાશ્મીર સમસ્યા કોણે ભારતના માથે મારી ? કોણે બંધારણમાં તિરાડ પાડી ? જો નેહરુજીનું નામ લઈએ તો કોંગ્રેસને માઠું લાગે છે, પણ કાશ્મીરે જે વેઠવું પડયું તેના મૂળમાં નેહરુજી હતા. તેનું પરિણામ છે જે દેશને ભોગવવું પડી રહ્યું છે. કોંગ્રસની નિષ્ફળતાનું કારણ છે : સરકારના દરેક નિર્ણય અને નીતિનો આંધળો વિરોધ કરવાની આદત. કોઈપણ વિપક્ષ પાસે અપેક્ષા કરી શકાય કે તે સરકારની પ્રશંસા કરે, પણ એટલી આશા તો અવશ્ય રાખી શકાય કે તે રાષ્ટ્રહિતથી સંકળાયેલા મુદ્દાઓમાં પણ વિરોધની રાજનીતિ કરે નહીં. કમનસીબે કોંગ્રેસ આમ કરતી આવી છે. કોંગ્રેસ કોઈપણ પ્રકારની નકારાત્મક રાજનીતિનો ત્યાગ નથી કરી શકતી હકીકત છે. કોંગ્રેસના `કેન્સલ' કલ્ચર પર તેમણે બરાબરનો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને સરકારની દસ વર્ષની સિદ્ધિઓ તો ગણાવી છે અને ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો દેશને વિકસિત કરવા માટે થશે એમ જણાવ્યું છે. ભાજપ 370 બેઠક જીતવાની છે એમ કહીને તેમણે જમ્મુ-કાશ્મીરથી વિભાજનકારી કલમ 370 હટાવવા પર પોતાની સરકારના સાહસિક નિર્ણય ઉપર ભાર મૂક્યો છે. કોઈપણ વડાપ્રધાન રેલી, ભાષણ, ઈન્ટરવ્યૂ દરમિયાન ચૂંટણીમાં પોતાના પક્ષને કેટલી બેઠકો મળશે તે કહેતા હોય છે, પણ વડાપ્રધાન મોદી પ્રથમ વડાપ્રધાન છે જેમણે પોતાના પક્ષને અને પોતાનાં ગઠબંધનને કેટલી બેઠકો મળશે તે જણાવ્યું, તે એમના ગજબના આત્મવિશ્વાસની સાક્ષી પૂરે છે, ભવિષ્ય ભારતનું છે એમ કહીને એમણે ચૂંટણી - મતદાન પહેલાં વિજય - જનાદેશ મેળવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang