નવી દિલ્હી, તા. 30 : ભારત માટે
એશિયન ગેમ્સમાં બુધવાર ખૂબ જ શાનદાર રહી હતી. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં
ચાર ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ત્રણ ગોલ્ડ તીરંદાજીમાં અને એક શૂટિંગમાં
જીત્યો હતો. આ સાથે ભારતના 10 ગોલ્ડ સહિત
કુલ 60 મેડલ થયા છે. વધુમાં મેડલ ટેલીમાં
ભારત સાતમા નંબરે પહોંચી ગયું છે. એશિયન ગેમ્સમાં બુધવારે પહેલો ગોલ્ડ મેડલ મહિલા
કમ્પાઉન્ડ તીરંદાજીમાં મળ્યો હતો. બાદમાં ચિકિતા અને સાહિલની જોડીએ મિક્સડ કમ્પાઉન્ડ
આર્ચરીમાં ગોલ્ડ જીત્યો હતો તેમજ નીરુ ઢાંડા અને કાયનન ચેનાઈની જોડીને શૂટિંગમાં ગોલ્ડ
મેડલ મળ્યો હતો. દિવસનો ચોથો ગોલ્ડ મેડલ કમ્પાઉન્ડ આર્ચરીની પુરુષ પ્રતિયોગિતામાં સાહિલ, ગણેશ અને કુશલે અપાવ્યો હતો. તીરંદાજીમાં દિવસના ત્રણેય ગોલ્ડ મેડલ ભારતનાં નામે
રહ્યા હતા. મહિલા ટીમે ચીનને હરાવીને ખિતાબ બચાવી રાખ્યો હતો, જ્યારે મિક્સ્ડ ફાઇનલમાં ચિકિતા અને સાહિલનો સામનો દક્ષિણ કોરિયા સામે હતો.
આ જીત સાથે ભારતે લોસ એન્જલસ ઓલિમ્પિકના કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ માટે જગ્યા પણ
નિશ્ચિત કરી છે. પુરુષ ટીમની ફાઇનલ મેચમાં
ચીનને ભારતે હરાવ્યું હતું. શૂટિંગની વાત કરવામાં આવે તો ટ્રેપ મિક્સ્ડ ફાઇનલમાં ભારતે
શરૂઆતમાં 10માંથી છ હિટ
કર્યા હતા અને એક સમયે ચાર ટીમમાં સૌથી નીચે હતા. જો કે, બાદમાં શાનદાર વાપસી કરીને સુવર્ણ પદક નામે
કર્યો હતો. ભારતે કતરને એક અંકે પાછળ છોડયું હતું. આ સ્પર્ધામાં ચીનને બ્રોન્ઝ મેડલ
મળ્યો હતો. - મહિલા હોકીમાં ભારતને ફાઇનલની
ટિકિટ : મહિલા હોકીમાં ભારતે સેમિફાઇનલમાં પાંચ
વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાની ટીમને 2-0થી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ભારતીય
ટીમ સામે ગોલ્ડ મેડલ સાથે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકની ટિકિટ મેળવવાની તક છે. ફાઇનલમાં બીજી ઓક્ટોબરે ભારતનો
સામનો ચીન સામે થવાનો છે. - સુનીલકુમારે
જીત્યો બ્રોન્ઝ : ભારતીય પહેલવાન
સુનીલકુમારે એશિયન ગેમ્સના મેન્સ 87 કિ.ગ્રા. ગ્રીકો રોમન કુશ્તી કેટેગરીમાં ફિલિપિન્સના ખેલાડીને
9-0થી હરાવી બ્રોન્ઝ મેડલ નામે
કર્યો હતો. હાંગઝુ 2022 બાદ સુનીલકુમારનો
સતત બીજો એશિયન ગેમ્સ મેડલ બન્યો હતો. આ સાથે એશિયન ગેમ્સમાં બે ગ્રીકો રોમન મેડલ જીતનારો
પહેલો ભારતીય પહેલવાન બન્યો છે. - જુડોકા અસ્મિતા ડેને નિરાશા : ભારતીય જુડોકા અસ્મિતા ડે માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો
હતો. બ્રોન્ઝ મેડલ મુકાબલામાં અસ્મિતાને નરાંતસેત્સેગ ગનબાતાર સામે 0-1થી હારનો સામનો કરવો પડયો હતો.
જેનાથી મેડલ જીતવાનું સપનું તૂટયું હતું અને પોડિયમમાં સ્થાન બનાવી શકી નહોતી. - કપિલ પોખરિયાએ જીત્યો બ્રોન્ઝ
મેડલ : એશિયન ગેમ્સમાં બોક્સરનું શાનદાર પ્રદર્શન
યથાવત્ રહ્યું હતું. પુરુષોના 90 કિલો ભાર
વર્ગ સેમીફાઇનલ મુકાબલામાં કપિલ પોખરિયાએ પોતાના દમદાર ખેલનું પ્રદર્શન કર્યું હતું.
જો કે તુરાકેબ ખાબિબુલ્લાએવ સામે 1-4થી હારનો સામનો પડયો હતો. તેમ છતાં દેશ માટે બ્રોન્ઝ મેડલ પાક્કો
કરી લીધો હતો. - પ્રિયા ધંધાસની હાર : બ્રોન્ઝથી
સંતોષ : મહિલા 60 કિલો સેમીફાઇનલમાં પ્રિયા ધંધાસને ચીનની યાંગ સામે સ્પિલ્ટ નિર્ણયમાં
હાર મળી હતી. આકરા મુકાબલામાં પ્રિયાએ શાનદાર રમત બતાવી હતી પણ અંતે બ્રોન્ઝથી સંતોષ
કરવો પડયો હતો.