• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

નીરુનું ગોલ્ડ પર નિશાન, રિલે ગર્લ્સની સ્વર્ણિમ રેસ

નવી દિલ્હી, તા. 29 : એશિયન ગેમ્સના મંચ પર ભારતીય રમતવીરોએ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે. શોટગન શૂટર નીરુ ઢાંડા, મહિલા રિલે ટીમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંઘના ઐતિહાસિક પ્રદર્શનના દમ પર ભારતે કીર્તિમાનો રચ્યા છે. આજે ભારતને બે ગોલ્ડ સહિત 8 મેડલ મળ્યા છે. જેની સાથે જ જીતેલા કુલ પદકની સંખ્યા 53 થઈ ગઈ છે. ભારતીય શોટગન શૂટર નીરુ ઢાંડાએ મહિલાઓની વ્યક્તિગત ટ્રેપ ઇવેન્ટમાં સચોટ નિશાનો સાધીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે તે એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારી સર્વપ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. ટ્રેપ ઇવેન્ટ દેશના મહાન શૂટર રણધીર સિંઘે 1978માં ગોલ્ડ જીત્યા બાદ દેશને મળેલો આ સર્વપ્રથમ સુવર્ણ ચંદ્રક છે. નીરુનો ચમત્કાર આટલેથી જ અટક્યો નહોતો; તેણે આ જ દિવસે ટીમ ટ્રેપ ઇવેન્ટમાં મનીષા કીર અને આશિમા અહલાવત સાથે મળીને દેશ માટે સિલ્વર મેડલ પણ હાંસલ કર્યો હતો. આમ, એક જ દિવસમાં ગોલ્ડ અને સિલ્વર જીતીને તે છવાઈ ગઈ હતી. મહિલા રિલે ટીમે 4 X 400 મીટર રિલે રેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. કિરણ પહલ, એમ.આર. પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની પ્રતિભાશાળી ચોકડીએ 3:29.69 સેકન્ડનો પ્રભાવશાળી સમય નોંધીને વિરોધી ટીમોને પાછળ છોડી દીધી હતી. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતના લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંઘે મેન્સ 5000 મીટર દોડમાં સખત સંઘર્ષ બાદ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ બ્રોન્ઝ મેડલની સાથે જ ગુલવીરે એક જ એશિયન ગેમ્સમાં કુલ 3 મેડલ જીતવાનો અસાધારણ કીર્તિમાન સ્થાપ્યો છે. બીજી તરફ હેવીવેઇટ બોક્સર નરેન્દર બરવાલ સેમિફાઇનલ મુકાબલામાં પરાજિત થતાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.  મહિલા ટીમના સુવર્ણ વિજય બાદ મેન્સ 4ડ્ઢ#400 મીટર રિલેમાં પણ ભારત પાસેથી ગોલ્ડની અપેક્ષા સેવાઈ રહી હતી. જોકે, બ્રોન્ઝ મેડલ જીતી શક્યા હતા. આ રેસમાં જાપાને ગોલ્ડ મેડલ અને કતારે સિલ્વર મેડલ જીત્યો હતો.  બીજી તરફ ટ્રેક પર રોમાંચની પરાકાષ્ઠા સમાન રહેલી 4#100 મીટર મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં ભારતીય ટીમે 41.06 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જેમાં ગારિંદરવીર સિંઘે ટીમને વિસ્ફોટક અને ઝડપી શરૂઆત અપાવી હતી, જેને બીજા લેગમાં સ્નેહાએ મક્કમતાથી જાળવી રાખી હતી. ઉપરાંત મહિલાઓની હાઇ જમ્પ સ્પર્ધામાં ભારતીય એથ્લેટ પૂજાએ 1.84 મીટરની ઊંચાઈ કુદાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, તે પછીના 1.87 મીટરના માર્ક પર તેના ત્રણેય પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.  - બોક્સિગમાં મેડલ પાક્કા : મહિલા બોક્સર પરવીન હુડ્ડા અને અંકુશે પોતાના અગ્રેસિવ પાંચિંગના દમ પર સેમિફાઇનલ બાઉટ્સ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જેથી બંનેના ગોલ્ડ કે સિલ્વર મેડલ પાક્કા થઈ ગયા છે. - ગુલવીરે ગૌરવ અપાવ્યું :  : એશિયન ગેમ્સમાં ભારતના લોંગ-ડિસ્ટન્સ રનર ગુલવીર સિંઘે પુરુષોની 10,000 મીટર અને 1,500 મીટર રેસમાં સિલ્વર (રજત ચંદ્રકો) જીત્યા બાદ પુરુષોની 5,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ (કાંસ્ય ચંદ્રક) પોતાના નામે કર્યો હતો. ભારતીય રમતજગતના ઇતિહાસ પર નજર કરીએ તો, એક જ એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતનારો ગુલવીર સિંઘ ભારતનો માત્ર બીજો પુરુષ એથ્લીટ બન્યો છે. આ પૂર્વે આઝાદી બાદ વર્ષ 1951માં નવી દિલ્હી ખાતે આયોજિત સૌપ્રથમ એશિયન ગેમ્સમાં ભારતના દિગ્ગજ પ્રિન્ટર લેવી પિન્ટોએ આ કીર્તિમાન સ્થાપ્યો હતો. પિન્ટોએ 100 મીટર અને 200 મીટર પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ તેમજ 4#100 મીટર રિલેમાં સિલ્વર મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. ત્યારપછીના સાડા સાત દાયકામાં કોઈ પુરુષ એથ્લીટ આ પરાક્રમ દોહરાવી શક્યો નહોતો, જે દુષ્કાળનો હવે ગુલવીરે અંત આણ્યો છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd