અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગર
ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી
ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની મહત્ત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરહદી જિલ્લાઓમાં
ઘૂસણખોરી, નશીલા પદાર્થો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા
માટે કેન્દ્રીય એજન્સીઓ, સરહદ રક્ષક દળો, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે એક સંકલિત એક્શન પ્લાન ઘડી કાઢવામાં
આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સરહદી જિલ્લા કચ્છમાં ભુજ ખાતે યોજેલી
બેઠકમાં દેશની સુરક્ષા માટે સરહદ રક્ષક દળો, કેન્દ્રીય તપાસ એજન્સીઓ,
રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક જાગૃત નાગરિકો - એમ ચાર
પાયા પર નિર્મિત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રૂપરેખા આપી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી
આ વિશેષ બેઠકમાં આ વિઝનને જમીની સ્તરે ઉતારવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જમીની અને દરિયાઈ સરહદ ધરાવતા
ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો સામે એક સમાન નીતિથી કામ
કરવા માટે `વન બોર્ડર-વન
પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન' સિદ્ધાંત અપનાવવાનો
સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. સરહદી વિસ્તારોમાં દેશવિરોધી તત્ત્વોનાં કોઈ પણ ષડયંત્રને
તોડી પાડવા માટે રાજ્ય સરકારે છ અતિ સંવેદનશીલ ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું
છે. આ તમામ બાબતો પર ચોવીસ કલાક બાજ નજર રાખવા માટે ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સનું
મજબૂત માળખું ગોઠવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે,
ગેરકાયદે પ્રવૃત્તિઓ, સીમા પારથી ઘૂસણખોરી,
નશાખોરીનો વેપાર અને સરહદી જમીનો પરનાં દબાણો કરનારા તત્ત્વોને આ બેઠક
દ્વારા સ્પષ્ટ ચેતવણી મળવી જોઈએ કે, ગુજરાતમાં આવા કૃત્યોને જરાય
ચલાવી લેવામાં આવશે નહીં. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું
હતું કે, સંબંધિત સુરક્ષા વિભાગોએ પોતાની ક્ષમતા કરતાં પણ વધુ
સારું કાર્ય કરીને શ્રેષ્ઠ પરિણામો આપ્યાં છે. તેમણે નિર્દેશ આપ્યો કે, આ કામગીરીને માત્ર ઔપચારિક વ્યવસ્થા તરીકે લેવાને બદલે ખંત અને નિષ્ઠા ધરાવતા
અધિકારીઓની વિશેષ ટીમો બનાવી પરિણામલક્ષી પગલાં લેવામાં આવે. સાથે જ તેમણે સરહદી વિસ્તારોમાંથી
સરકારી જમીનો પર થયેલાં કોઈ પણ પ્રકારનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ચાલુ ઝુંબેશ કોઈ
પણ વિક્ષેપ વિના અવિરત ચાલુ રાખવા માટે કલેક્ટરો અને એસપીઓને કડક આદેશ આપ્યા હતા. આ
સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ
સંજીવ કુમાર, સંબંધિત અધિક મુખ્ય સચિવો, ડીજીપી, એડીજીપી, રેન્જ આઈજી સહિત
સરહદી જિલ્લાઓના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.