• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાનાં વાહનોમાં જીપીએસ જરૂરી

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ મહાનગરપાલિકાના ટ્રેક્ટર તથા જેસીબી સહિતનાં સાધનોમાં જીપીએસ સિસ્ટમના અભાવે કોન્ટ્રાક્ટરની સેવામાં જતાં હોવા છતાં તંત્રને જાણ હોતી નથી.  પરિણામે સાધનોનો દુરુપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો છે, તે વચ્ચે તમામ સાધનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરાએ સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં આદિપુર તથા ગ્રામીણ વિસ્તારમાં અને શહેરમાં યોગ્ય સફાઈ ન થતી હોવાથી વ્યાપક ફરિયાદો છે. સમસ્યાનું સમાધાન આવતું નથી, લોકો કંટાળી ગયા છે, સમીક્ષા દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને સફાઈના કોન્ટ્રાક્ટરને વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડવા માટેની સૂચના આપી છે, પરંતુ મહાનગરપાલિકાનાં સાધનોનો ઉપયોગ એજન્સીની સેવામાં થતો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે  ટ્રેક્ટરો તથા જેસીબી સહિતનાં સાધનો સફાઈ અને અન્ય વિભાગોને ફાળવેલાં છે અને તેનું નિયંત્રણ છે તે વિભાગ વડા હેઠળ છે. આ વાહનોમાં જીપીએસ સિસ્ટમના અભાવે વાહનો બેફામ ગમે ત્યાં દોડે છે. સફાઈની એજન્સીએ પોતાના ટ્રેક્ટરો તથા તેના જેસીબી લોડર સહિતનાં સાધનો રાખવાના છે અને બંને ઝોનમાં 500 કર્મચારીનું માનવબળ તેમણે પૂરું પાડવાનું છે. તેમાં અનેક ગોટાળા છે તે હવે પાલિકાના અધિકારીઓને ધ્યાને આવ્યા છે. પૂરતાં સાધનો નથી, પૂરતું માનવ બળ એજન્સી દ્વારા આપવામાં આવતું નથી સહિતની અનેક ક્ષતિ છે. છતાં રજિસ્ટર બરોબર મેન્ટેઈન થાય છે આવી અનેક બાબતો ધ્યાને આવી છે.  એટલા માટે કોન્ટ્રાક્ટરને તેનાં વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ માનવબળ પૂરતું છે કે નહીં તેની સમીક્ષા કોણ કરશે, તેનું ધ્યાન કોણ રાખશે તે સહિતના સવાલો હજી છે મહાનગરપાલિકાનાં સાધનો એજન્સીની સેવામાં જતાં હોવાના આક્ષેપો છે તે વચ્ચે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહાનગરપાલિકાનાં તમામ સાધનોમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવે તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd