ફેસબુક-ઈન્સ્ટાગ્રામની પિતૃકંપની મેટાએ અમેરિકાના રાજ્યોને જંગી
રકમ ચૂકવવી પડશે તે બાબત સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણોની દિશામાં નક્કર-મક્કમ પગલું
છે. સોશિયલ સાઈટ્સ કે એપ્સ આજે અગત્યના જ નહીં, એક હદે અનિવાર્ય છે. તેના ફાયદા કે જરૂર છે તેટલી વિપરિત અસરો પણ છે અને આ
અસરો જ્યારે એક હદ વળોટે ત્યારે તેને નિયંત્રિત કરવાની જરૂર ઊભી થાય. વિશ્વના અનેક
દેશ હવે આ દિશામાં આગળ વધી રહ્યા છે. કારણ કે, સોશિયલ કહેવાતા
આ મીડિયાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી-સામાજિક ઉત્તરદાયિત્વ અંગે સવાલો ઊભા થયા છે. બાળકોના
માનસિક-શૈક્ષણિક વિકાસ સહિતની બાબતોની ચર્ચા હવે આ સંદર્ભે વૈશ્વિક છે. મેટા કંપની
ઉપર અમેરિકાના 48 રાજ્યે ખટલો
માંડયો હતો કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની આદત પાડીને તેમણે બાળકોના માનસિક સ્વાસ્થ્યને
ભારે નુકસાન કર્યું છે. આ અંગેની ટ્રાયલ લાંબી ચાલે તે પહેલાં પોતાની કોઇ ભૂલ કે કાનૂની
ગુનો સ્વીકારવો પડે તે પહેલાં વિવાદનો અંત લાવવા,
ભાવિ જોખમથી બચવા મેટા 18 બિલિયન યુએસ ડોલર એટલે ભારતીય ચલણ અનુસાર દોઢ લાખ કરોડ રૂપિયા
ચૂકવવા તૈયાર થઇ ગઇ છે. મેટા અને અમેરિકાના
રાજ્યો વચ્ચે કાનૂની સમજૂતી એવી થઈ છે કે, જેમની ઉંમર 18 વર્ષથી ઓછી
હશે તેવા ઉપભોક્તા એટલે કે કિશોર કે બાળકો દિવસમાં બે કલાક જ આ એપ્સનો ઉપયોગ કરી શકશે, તેનાથી વધારે સમયના ઉપયોગ માટે વાલીની મંજૂરી
જોઈશે. રાત્રે 12 વાગ્યાથી
સવારે છ વાગ્યા સુધી એપ બંધ થઈ જશે. ઓસ્ટ્રેલિયામાં
16 વર્ષથી ઓછી વયના બાળકો સોશિયલ
મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે તેવો નિર્ણય થતાં મેટાએ 7,56,000 એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યા હતા.
આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે. યુનાઈટેડ કિંગડમે પણ બાળકો માટે
સોશિયલ મીડિયાની સાઈટ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
ઓનલાઈન સેફ્ટી એક્ટ અંતર્ગત મલેશિયાએ પણ આ રસ્તો અપનાવ્યો છે. ભારત હજી આ બાબતે
વિવિધતા ધરાવે છે, એકતા નહીં.
કર્ણાટક રાજ્યે 16 વર્ષથી નીચેની
વયના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વર્જિત કરી દીધો છે. આ અને અન્ય આવી એપ્સ માહિતી
અને મનોરંજન આપે છે, વિવિધ સર્ચ
એન્જિન્સ ઘણી માહિતી-વિગતો પણ પૂરી પાડે છે તેની સામે આ જ એપ્સ અનેક દેશમાં વિરોધ કે
આંદોલનની આગને પણ ફેલાવે છે. આર્થિક ગુના કે અન્ય રીતે થતા અપરાધોમાં નિમિત્ત બને છે. બાળકોના શિક્ષણ,
મનોવલણ, તેમનામાં પ્રવેશતી હિંસકતા સહિતના પ્રશ્નો
તો ભારતમાં પણ છે. કિશોરોમાં નકારાત્મકતા અને ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે
આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ વિચારણા કરવી જોઈએ. આધુનિક પ્રત્યાયન,
ટેક્નોલોજીનો વિરોધ ન હોય, પરંતુ તેનાં માઠાં પરિણામથી
તો ચેતવું પડે.