અંજાર, તા. 30 : શહેરમાં નાગરિકલક્ષી સેવાઓ,
સામાજિક સુરક્ષા, બાળ સુરક્ષા, મહિલા સશક્તીકરણ, આવાસ, શેરી વિક્રેતાઓ,
શહેરી વિકાસ તથા અન્ય સ્થાનિક પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે અંજાર
વિકાસ અભિયાન અંતર્ગત અંજારમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ વર્ગો અને સમુદાયોને અસર કરતા પ્રશ્નોને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ
સમક્ષ રજૂ કરી, તેનાં નિરાકરણની દિશામાં કામગીરી થાય તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. સમાજ
સુરક્ષા અધિકારી દશરથ દેસાઈ, બાળ સુરક્ષા અધિકારી વિપુલકુમાર દોરિયા, બીઓસીડબલ્યુ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર મોહિત પંડયા,
મહિલા અને બાળ વિકાસ વિભાગના મિશન કો-ઓર્ડિનેટર ફોરમ વ્યાસ, સંકલિત બાળ વિકાસ
યોજના અંજારના સીડીપીઓ ગીતાબેન ખાનપરા, મિલનભાઈ ઠક્કર,
પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગના પ્રતિનિધિ, યુસીડી વિભાગના મયૂરભાઈ તથા મહિલા પોલીસ તરફથી હીનાબેન
ડોબરિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે વોર્ડ
કમિટીઓ, મહિલા મંડળો, નિર્માણ સાથી સંગઠન,
શેરી વિક્રેતા કોર કમિટી તથા અંજાર શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને તેમના
મુખ્ય પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.ચર્ચા દરમિયાન સામાજિક સુરક્ષા યોજનાઓ
સુધી લોકોની પહોંચ, બાળકો અને મહિલાઓની સુરક્ષા, બાળ વિકાસ અને પોષણ, બાંધકામ શ્રમિકોના અધિકારો અને કલ્યાણ
યોજનાઓ, આવાસ સંબંધિત પ્રશ્નો, શહેરી ગરીબો
માટેની સેવાઓ, શેરી વિક્રેતાઓ માટેની વ્યવસ્થા, મહિલા સુરક્ષા તથા નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં આવતી
મુશ્કેલીઓ જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સમુદાયના પ્રતિનિધિઓએ પોતાના
વિસ્તારના વાસ્તવિક પ્રશ્નો અને અનુભવો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. અધિકારીઓ દ્વારા
સંબંધિત વિભાગોની યોજનાઓ, ઉપલબ્ધ સેવાઓ, પ્રક્રિયાઓ તથા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પ્રશ્નોતરી
દરમિયાન નાગરિકોએ સીધા પ્રશ્નો રજૂ કરી અને સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ તથા આગળની
કાર્યવાહી અંગે માહિતી મેળવી હતી. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા સરકારી વિભાગો અને
નાગરિક-સમાજ વચ્ચે સીધો સંવાદ, પરસ્પર સંકલન અને જવાબદારીની ભાવના
મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અધિકારીઓ,
સમુદાય પ્રતિનિધિઓ અને નાગરિકોએ આવા સંવાદને સતત આગળ વધારવાની જરૂરિયાત
વ્યક્ત કરી હતી, જેથી અંજાર શહેરના વિવિધ વિસ્તારોમાં ઉદ્ભવતા
પ્રશ્નો યોગ્ય વિભાગ સુધી પહોંચે અને તેમના ઉકેલ માટે સંકલિત રીતે કામગીરી થઈ શકે.
- રજૂઆત નહીં
સ્થાનિક સ્તરે ઉકેલ માટે કરાઈ ચર્ચા : અંજાર,
તા. 30 : માત્ર સમસ્યાઓની
રજૂઆત સુધી મર્યાદિત ન રહેતા, ઉપલબ્ધ
સરકારી વ્યવસ્થાઓનો અસરકારક ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે પ્રશ્નોના ઉકેલ તરફ આગળ વધવા
માટે ચર્ચા કરવામાં આવી હતી. શહેરના વિકાસમાં સરકાર, સ્થાનિક
સંસ્થાઓ, સમુદાય સંગઠનો અને નાગરિકો વચ્ચે સંકલિત ભાગીદારી ઊભી
થાય અને શહેરના પ્રશ્નોના ઉકેલ માટે વિભાગો વચ્ચે સંકલન અને નાગરિકોની ભાગીદારી આધારિત
વ્યવસ્થા વિકસિત થાય તે અંજાર વિકાસ અભિયાનનો
મુખ્ય હેતુ હોવાનું જણાવાયું હતું.