• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

આતંક મુદ્દે પાકિસ્તાનના બેવડાં ધોરણ ફરી છતાં

આતંકવાદને પોષવાના પાકિસ્તાનના ગુના હવે તેને વિશ્વમંચ પર સતત બેનકાબ કરી રહ્યા છે. હાલત એવી થઈ છે કે, આ મામલે અણિયારા સવાલોના જવાબ આપવાની હિંમત પાકિસ્તાની નેતાઓ પાસે રહી નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પરથી આતંકવાદની સામે લડાઈની બડાઈ ફૂંકનારા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્રકારોએ લશ્કરે તોયબાના સ્થાપક હાફિઝ સઈદ અને અન્ય આતંકીઓને આશ્રય આપવા અંગે સવાલ કર્યો હતો. શરીફને પાકિસ્તાન આવા આંતકીઓને આશ્રય આપવાનું બંધ કરશે કે કેમ અને સઈદની સામે ક્યારે કાર્યવાહી થશે એવો સવાલ પણ કર્યે હતો. પાકિસ્તાની વડાપ્રધાન મૌન સાધીને આગળ વધી ગયા હતા. સ્પષ્ટ છે કે, તેમની પાસે કોઈ જવાબ હતો જ નહીં. શરીફને સવાલ ભલે પત્રકારોએ કર્યા હોય પણ હવે આ પ્રશ્નો આતંરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આતંકવાદની નીતિના સંદર્ભે સતત ચર્ચાતા થયા છે. પાકિસ્તાનની હાલત બહુ વિચિત્ર છે. એક તરફ તો તે પોતે આતંકવાદનો ભોગ બની રહ્યાની કાગારોળ કરે છે, તો ભારત સહિતના દેશો તેની ધરતી પરથી સક્રિય આતંકી સંગઠનો અને તેમાં ઈસ્લામાબાદની સીધી સંડોવણીના પુરાવા સાથે આરોપ મૂકી રહ્યા છે.  આ આરોપોમાં  મજબૂત પુરાવો હાફિઝ સઈદનો છે.  સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે તેના પર પ્રતિબંધ લાદ્યા છે.  મુંબઈના આતંકી હુમલા અને તે પછી હાલના પહેલગામના આતંકી હુમલામાં સઈદ અને તેના લશ્કરે તોયબાની સંડોવણી રહી છે. આવામાં પાકિસ્તાની વડાપ્રધાનને તે અંગેના સવાલ પુછાય તે યોગ્ય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, ખુદ શેહબાઝે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પરથી આતંકવાદની વિરુદ્ધ પાકિસ્તાનના જંગનો દાવો કરી ચુક્યા છે અને આમ કરતી વેળાએ તેમણે આતંકવાદમાં તેમના દેશનો હાથ હોવાનો આડકતરો સ્વીકાર પણ કરી લીધો હતો, પણ આજના સમયમાં દુનિયાને આવા દાવા પર રતીભર પણ વિશ્વાસ બેસતો નથી.  આ માટે નક્કર પગલાં કેટલા લેવાઈ રહ્યા છે તેના પર વિશ્વની નજર મંડાયેલી રહે છે.  સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પાકિસ્તાનની કથની અને કરણી વચ્ચેના અંતરને સ્પષ્ટ રીતે નેતાઓએ અને પત્રકારોએ કળી લીધું હતું. આજે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે, ત્યારે તેની સામેની ચિંતા અને સવાલો સતત વધી રહ્યા છે.  પાકિસ્તાની વડાપ્રધાને ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને કાશ્મીરમાં લઘુમતીઓના માનવ અધિકારનો મુદ્દો ઉઠાવીને હવા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતે તેના આ પ્રયાસને વધુ એક વખત વિફળ બનાવીને આતંકવાદના ઈતિહાસ  અને તેનાથી થયેલા સામાજિક નુકસાનનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનને રીતસરનો અરીસો બતાવી દીધો છે.  આમ તો ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને પાકિસ્તાની પત્રકારે કાશ્મીરના મામલે સવાલ કરીને ક્ષોભમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પણ આતંકવાદી માનસિકતાને આવો સવાલ પૂછવાનો અધિકાર ન હોવાની વળતી ટિપ્પણી કરીને આ પ્રયાસને ભારતીય વિદેશમંત્રીએ સરળતાથી ટાળી દીધો હતો. સરવાળે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર આતંકના મામલે પાકિસ્તાનના બેવડાં વલણનો પર્દાફાશ થઈ ગયો.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd