ભુજ, તા. 30 : શહેરના ભાનુશાલી નગરના રહીશો
ઊભરાતી ગટરનાં પાણીથી તોબા પોકારી ઊઠયા હોવની વ્યાપક ફરિયાદો ઊઠી છે. યોગ્ય નિકાલના
અભાવે ગટરનાં પાણી વરસાદી વહેણમાં ફરી વળતાં સતત દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું રહે
છે. ભુજના ભાનુશાલી નગરમાં સમયાંતરે ગટર ઊભરાઇ તેના દૂષિત પાણી માર્ગો પર ફરી વળતાં
રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે પણ નગરની પ્રથમ શેરી
પાસેની ગટર ઊભરાતાં તેના પાણી માર્ગો પર વહી નીકળ્યાં હતાં, જેને કારણે રહેવાસી ઉપરાંત અહીંથી પસાર થતા
રાહદારીઓ-વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શેરી પાસેનું
નાળું સાકડું થઇ જતાં સમસ્યા વિકરાળ બની ગઇ છે. થોડા-થોડા દિવસે ગટર ઊભરાવાની સમસ્યા
કાયમ રહે છે. દૂષિત પાણી ભરાયેલાં રહેતાં માખી-મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો હોવાથી લોકો
રોગચાળાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગટર સમસ્યાએ ભુજને બાનમાં લીધું છે. સુધરાઇની ટીમ પણ
એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.ભાનુશાલી નગરમાં ગટર સમસ્યા સત્વરે
અને કાયમી ઉકેલાય તેવી રહેવાસીઓ માંગ કરી રહ્યા છે.