નવી દિલ્હી, તા.29 : ભારતીય મહિલા
ક્રિકેટ ટીમની 22 વર્ષીય યુવા બોલર શ્રી ચરણીએ
આઈસીસી ટી20 ઈન્ટરનેશનલ બાલિંગ રેન્કિંગમાં
નવો ઈતિહાસ રચી દીધો છે. તાજેતરમાં સંપન્ન થયેલા એશિયા કપ અને જાપાન ખાતે યોજાયેલી
એશિયન ગેમ્સમાં પોતાની ઘાતક બાલિંગના દમ પર ચરણીએ 817 રાટિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા છે. આ સાથે તે મહિલા ટી20 ફોર્મેટના ઈતિહાસમાં સર્વોચ્ચ
રાટિંગ મેળવનારી વિશ્વની પ્રથમ બોલર બની ગઈ છે. ચરણીએ ઓસ્ટ્રેલિયાની મેગન શટના 806 પોઈન્ટ્સના ઐતિહાસિક રેકોર્ડને
તોડયો છે, જે છેલ્લા આશરે આઠ વર્ષથી અજેય રહ્યો હતો. ભારતને
આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બનાવવામાં શ્રી ચરણીએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આખી ટૂર્નામેન્ટ
દરમિયાન તેણે કુલ 12 વિકેટ પોતાના
નામે કરી હતી. શ્રીલંકા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ચરણીએ ચુસ્ત સ્પેલ ફેંકતા માત્ર
20 રન આપીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનની
મદદથી ભારતે શ્રીલંકાને 72 રનથી પરાજય
આપીને ટ્રોફી કબજે કરી હતી. આ ટુર્નામેન્ટ સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ
ટી20 વિકેટ ઝડપનારી ભારતીય બોલર
પણ બની ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેના નામે કુલ 39 વિકેટ નોંધાઈ ચૂકી છે. એશિયન
ગેમ્સમાં પણ તેનું ફોર્મ સારું હતું. યજમાન ટીમ સામે તેણે પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ
સ્પેલ ફેંકતા માત્ર 10 રન આપી 4 વિકેટ ઝડપી હતી અને ટીમને સેમિફાઇનલમાં
પહોંચાડી હતી. ટી20 ઇન્ટરનેશનલ
બાલિંગ રેન્કિંગમાં શ્રી ચરણી ટોચના સ્થાને બિરાજમાન છે. દીપ્તિ શર્મા 754 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને
પહોંચી ગઈ છે, જ્યારે ઈંગ્લેન્ડની સોફી
એક્લેસ્ટોન 723 પોઈન્ટ્સ
સાથે ત્રીજા ક્રમે છે.