અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં
જળક્રાંતિ અને કૃષિક્રાંતિની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી
તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી
છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના આજ સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન
અને વધામણાંથી કર્યા હતાં. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 191 શહેરો તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને
ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું
પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું. સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા
જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે. મુખ્યમંત્રીએ નર્મદાના નીરના વધામણાં
કરતાં કહ્યુ કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદા
બેસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાને ધ્યાને લઈને સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવાતા 9 મિલિયન એકર-ફૂટ (એમએએફ) પાણીની સામે હાલમાં
આશરે 7.9 મિલિયન એકર-ફૂટ (એમએએફ) પાણી
ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ અમૂલ્ય જળનો કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી
પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે . નોંધનીય છે કે, ચાલુ ચોમાસામાં
સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને પાણીનું વિતરણ
કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન 201 એમસીએમ (7118 એમસીએફટી) પાણી પૂરું પાડવામાં
આવ્યું છે અને 1028 તળાવો ભરવામાં આવ્યા છે. સૌની
યોજનામાં 288 એમસીએમ (10189 એમસીએફટી) પાણી પૂરું પાડવામાં
આવ્યું છે અને 167 તળાવો, 1014 ચેકડેમ અને
45 ડેમ ભરવામાં આવ્યા છે. આમ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર
અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પાણી વિતરણ કરાયું છે.