નવી દિલ્હી, તા. 30 : વડા પ્રધાન
નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન ઉપર વાતચીત થઈ હતી. ચાલુ વર્ષે ચોથીવાર થયેલી વાતચીત
દરમિયાન બન્ને નેતાઓએ વેપાર, રક્ષા,
ઊર્જા અને ક્રિટિકલ ટેક્નોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના મહત્વના ક્ષેત્રોની
સમીક્ષા કરી હતી. સાથે જ બન્ને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા
માટે મળીને કામ કરવા સહમતિ વ્યક્ત કરી હતી. બન્ને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સ્થિરતા જાળવી
રાખવા માટે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ સાથે વાતચીતની જાણકારી આપતા
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ
ઉપર લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ
હતી. વેપાર, રક્ષા, ઊર્જા, મહત્વની ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની સમીક્ષા કરવામાં આવી
હતી. આ ઉપરાંત વ્યાપાર વૈશ્વિક રણનીતિક ભાગીદારીને આગળ વધારવા માટે સંપર્ક જાળવી રાખવા
સહમત થયા હતા. પીએમ મોદીએ વધુ જાણકારી આપી હતી કે બન્ને દેશોની વ્યાપક વૈશ્વિક રણનીતિક
ભાગીદારીને આગળ વધારવા માટે સતત પરસ્પરનો સંપર્ક અને નજીકથી સમન્વય જાળવી રાખવા માટે
પુરી રીતે સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પીએમ મોદી અને ડોનાલ્ડ
ટ્રમ્પ વચ્ચે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર ઉંડો વિચારવિમર્શ કરવામાં આવ્યો
હતો.