• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

મુંદરા : કંપનીમાં અકસ્માત મુદ્દે અફરાતફરી

મુંદરા, તા. 30 : તાલુકાનાં શિરાચા ગામ નજીક મંગળવારે સાંજે ખાનગી કંપનીના એક કર્મચારીને ગંભીર અકસ્માત નડયા બાદ તેની સારવારમાં વિલંબ મુદ્દે અન્ય કર્મીઓમાં રોષ ભભૂક્યો હતો અને પથ્થરમારો,  તોડફોડ સહિતની ઘટના સામે આવતાં એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, પોલીસ પહોંચી ગયા બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. દરમિયાન, કંપનીએ જણાવ્યું કે, ઇજાગ્રસ્ત કર્મચારીનું સફળ ઓપરેશન થયું છે અને ભુજમાં સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ, મુંદરા પેટ્રો કેમિકલ કંપનીની કોન્ટ્રાક્ટર એવી ફેબટેક  કંપનીના આ કર્મચારીનો ગઈકાલે સાંજે અકસ્માત થયો હતો, જે પછી કથિત સમયસર, યોગ્ય સારવાર ન મળ્યાનો સંદેશ વહેતો થતાં અન્ય શ્રમિકોમાં ઉગ્ર આક્રોશ જાગ્યો હતો અને બસ સહિત વાહનોની તોડફોડ,  પથ્થરમારો જેવી ઘટનાઓ સાથે હોબાળો મચ્યો હતો. જો કે, પોલીસ તંત્ર દોડી આવ્યું અને આ લખાય છે, ત્યારે સ્થિતિ શાંત અને કાબૂમાં છે. દરમ્યાન, પોલીસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારે સાંજે 7થી  7.30  વાગ્યા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો, જે અનુસંધાને બુધવારે  શ્રમજીવીઓ દ્વારા એક ખોટો મેસેજ પાસ કરાયો કે,  એમની કંપનીનો એક શ્રમજીવી મૃત્યુ પામ્યો છે, જે ખોટી અફવાના કારણે ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે, એમને સાચી હકીકતથી વાકેફ કરાતાં ટોળાંઓ વિખેરાઈ ગયા હતા અને હાલ શાંતિ છે. અકસ્માતગ્રસ્ત વ્યક્તિ હાલ ભુજમાં કે. કે. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. બીજીતરફ કંપનીની સ્પષ્ટતા મુજબ ગઈકાલે સાંજે મુંદરાની ફેબટેક કંપનીનો એક કર્મચારી ચાલુ બસમાં સવાર થવાના પ્રયાસ દરમિયાન અકસ્માતગ્રસ્ત થતાં તેમને ઈજા થઈ હતી. આ ફેબટેક કંપની એ એમપીએલમાં એક કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે. ઘટનાની જાણ થતાં કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબી તપાસ બાદ જરૂરી સારવાર અને તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. તબીબી ટીમના જણાવ્યા મુજબ ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ કર્મચારી હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે. કંપની દ્વારા કર્મચારીને જરૂરી તબીબી સહાય અને સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. આગળની તપાસ કરવામાં આવી રહી છે. આ કંપની કર્મચારીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd