• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

મારો છેલ્લો વિશ્વકપ; મહેનતની તૈયારી : વિરાટ

નવી દિલ્હી, તા. 26 : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 2027ના વનડે વર્લ્ડ કપ બાબતે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. કોહલીએ જાહેર કર્યું છે કે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર 2027 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ભારત માટે તેમનો છેલ્લો વનડે વર્લ્ડ કપ હશે. આ સાથે જ તેમણે ટાઇટલ જીતવા માટે પોતાનું ગમે તે હદે મહેનત કરવાની તૈયારી દર્શાવી છે. ભારતના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર એક જ ફોર્મેટ એટલે કે વનડે રમી રહ્યા છે. આ બંને ખેલાડીની નજર હવે સંપૂર્ણપણે 2027ના વર્લ્ડ કપ પર કેન્દ્રિત છે. રવિવારથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી નવી હોમ સિઝન સાથે જ આ મહાકુંભની તૈયારીઓનો શંખનાદ પણ થઈ જશે. આ બાબતે વાતચીતમાં કોહલીએ 50 ઓવરના વર્લ્ડ કપના પડકારો અને પોતાની પ્રેરણા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોહલીએ કહ્યું, 50 ઓવરના વર્લ્ડ કપની તીવ્રતા અન્ય કોઈપણ ટૂર્નામેન્ટ કરતાં અનેકગણી વધુ હોય છે. ટી-20 સ્તરની આક્રમકતા અને શારીરિક ક્ષમતા માગી લે છે. તમે એક જ દિવસમાં અઢી ટી-20 મેચ રમી રહ્યા હોવ તેટલો શ્રમ પડે છે. એક મોટી ટૂર્નામેન્ટ અને વર્લ્ડ કપની સતત 10 મેચો સુધી એ જ સ્તરની ઊર્જા અને તીવ્રતા જાળવી રાખવી એ બહુ મોટી વાત છે. વળી, આ વખતે ટુર્નામેન્ટ વિદેશી ધરતી અને ત્યાંની કઠિન પરિસ્થિતિઓમાં રમાવાની છે, જે ખેલાડીની ખરી કસોટી કરે છે. તેણે ઉમેર્યું કે, મારા માટે ભારત તરફથી આ છેલ્લો વર્લ્ડ કપ છે જે હું રમવા જઈ રહ્યો છું, આ જ હકીકત મારી સૌથી મોટી પ્રેરણા છે. હું મેદાન પર મારું 100 ટકા આપવા અને બધુ જ કરી છૂટવા માગું છું. સ્વાભાવિક રીતે જ અંતિમ લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું છે અને આ સપનું સાકાર કરવા માટે જે કંઈ પણ કરવું પડશે, હું તેના માટે સંપૂર્ણપણે તૈયાર છું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd